પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
12
ગુજરાતનો જય
 

એ નબળો છે. ઘોડા ઉપર એને બેસવા દેજો. તમે બેઉ તો જોધાર જેવા છો. પાળા હીંડ્યા જજો.”

“મા, પણ લુણિગને કહી દેજે,” ચૌદ વર્ષના તેજિગે તીણે ઊંચે સ્વરે કહેવા માંડ્યું, “એ અખાડે આવે નહીં ને આખો દિવસ દેવળોના ભાંગેલા પથરાની નક્શી જ જોયા કરે, પછી તો નબળો જ રહે ને !” એમ બોલીને એણે એ ટારડા ઘોડા પાસે ઊભેલા અઢાર વર્ષના દૂબળા ભાઈ સામે હાથ ચીંધાડ્યો.

“એ ધૂન તો એણે આબુરાજ ઉપર વિમલાનાં દેરાં દીઠાં ત્યારથી જ એને વળગી છે, શું કરીએ, ભાઈ? એને...”

ભાઈઓની ફરિયાદ અને માતાની છૂપી ચિંતા વચ્ચે જરા રમૂજ પામતો દૂબળો મોટેરો ભાઈ લુણિગ ઘોડે બેઠો, ને પછી માને ભલામણ કરવા લાગ્યો: “તુંય બા, અમને સંભારતી જીવ બાળીશ નહીં. અમે તો કાલ સવારે મોટા થઈ જશું.”

વસ્તિગે ને તેજિગે પછી પોતાની બહેનોને એક પછી એક મળી લીધું. “વયજૂ ! ઘંટી રોજ દળજે, હો.” વસ્તિગે ભલામણ કરી.

"ધનદેવી ! તું વહેલી પરોઢે છાણ મેળવવા જા ત્યારે સાથે એક સોટો રાખજે. કોઈ કાંઈ છેડતી કરવા આવે તો પૂછ્યા-કર્યા વગર સબોડી જ દેજે,” તેજિગ બોલ્યો, ને કહેજે એ દુષ્ટોને, કે વસ્તિગ પાછો આવશે ત્યારે લાઠી-દાવ શીખીને જ આવશે, એટલે તમને સૌને એકલે હાથે પૂરો પડશે.”

“અને ઓ અલી સોહગા,” તેજિગે નાની બહેનને કહ્યું, “ઘી ને માખણના કજિયા કરતી ના, હો ! અમે મોટા થશું ત્યારે ઘેર ત્રણ ગાયો બાંધશું. પછી ખાજે ખૂબ.

ઘોડા પરથી દૂબળો પાતળો, દેવની મૂર્તિ સરીખો મોટેરો લુણિગ ફેફસાં પર હાથ દાબીને બોલ્યો: “વયજૂ, પેલો મારો આરસનો ટુકડો સાચવી રાખજે હો !”

"હા,” માએ હસીને ટકોર કરી, “તારે તો એનું બિંબ કોરાવી આબુ ઉપર મુકાવવું છે, ખરું ને !"

“અરે બા !” વસ્તિગ બોલી ઊઠ્યો, “આપણે આપણા જ જુદા જિનપ્રાસાદો નહીં ચણાવીએ આબુ પર?”

"બહુ હોંશીલા થયા કે ! ગજા વગરની આકાંક્ષાઓ કરાય નહીં, ભા ! જાઓ હવે, સૂર્યોદય થયો. જો સામે કુમારિકા બેડું ભરીને ચાલી આવે. શુકન વધાવીને ચાલી નીકળો, ભાઈ. ને ભાઈ ઘોડાવાળા !” માતાએ ભલામણ કરી, “જોજે હો, મારા લુણિગને સાચવીને લઈ જજે. એ છોકરો માંદો છે પણ પાટણ, પાટણ ને પાટણનું જ રટણ લઈ બેઠો છે. કોઈ રીતે રોકાય તો ને? કોણ રોકી શકે? રોકનાર હતા