પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'ધીર બનો !'
255
 


પોતે સામાન્ય માણસનાં વસ્ત્રો પહેરી અને મોંએ મોટી મૂછો લગાવી સાથે ચાલ્યા. નાટક ચાલતું હતું તેને ગોળ કૂંડાળે જામેલી લોકગિરદીને એક ખૂણે એક માણસના ખભા પર હાથ ટેકવીને ઊભેલા પુરુષ પ્રત્યે યુવાન ગુપ્તચરે આંગળી ચીંધી.

મંત્રીએ એ માણસને ખંભે હાથ મૂક્યો. નાટક જોતો પુરુષ ચમક્યો. એણે પાછળ જોયું. મંત્રીએ કહ્યું: “ચાલો, થોડી વાત કરીએ.”

અવાજ પરખાયો કે તરત એ પુરુષ મંત્રીની સાથે ચાલ્યો. અંધારામાં એને દૂર લઈ જઈને મંત્રીએ કહ્યું: “રંગ છે આપને ! મને એકને તો કહેવું હતું કે સંઘ જોવા આવવું છે ! તો રાજધાનીને તો રેઢી ન રહેવા આપત !”

પેલો પુરુષ શરમાઈ ગયો. મંત્રીએ પૂછ્યું: “જેતલબાને જણાવ્યું હતું?”

“હા – ના – હા – આ – પણ –" પેલા પુરુષનો જવાબ ભોંઠામણથી ભરેલો હતો.

“સ્પષ્ટ કહોને, હું નહીં ઠપકો દઉં.”

"કહ્યું હતું કે ગામડાં જોવા જાઉં છું, બેત્રણ રાત માટે.”

“તો તો બાને બરાબર ફાળ પડાવી હશે ! રાણીઓને તો તત્કાળ એક જ વહેમ આવેને, કે જતા હશો નવાં ઠકરાણાંની વેતરણ માટે ! ઠીક, હવે ! રક્ષકો ક્યાં છે?"

"ધંધુકે.”

“ક્યારે ઊપડવું છે ત્યાં બધું રેઢું છે. આ કાંઈ સેલગાહોનો સમય છે ! આપને હું ખાતરી કરાવીશ કે હું કે તેજપાલ સેલગાહ માણવા નથી નીકળ્યા. પણ અત્યારે તો આપ જલદી નીકળો ને ત્યાં પહોંચી સૈન્ય તૈયાર કરો. વાહન શું છે?”

"સાંઢ્ય.”

"તો હવે વેળા ન ગુમાવો. હોશિયાર રહેજો. આપને માટે મોટું ટાણું આવતું લાગે છે. વિજય વરજો !”

“ભારે થઈ” પેલા પુરુષ, જે રાણા વીરધવલ હતા, તેમણે એટલું બોલીને ભોંઠામણમાંથી છુટકારો શોધ્યો.

“કંઈ નહીં. હું જેતલબાને નહીં કહું. ઊપડો ક્ષેમકુશળ.”

“પણ અનુપમાદેવીએ મને ઓળખ્યો છે, હો કે!”

“મને ખબર છે. આપ માગણોની પંગતમાં ઘી-કંસાર લેવા બેઠા હતા તે તો સરસ થયું. પ્રભુને દ્વારે તો સૌ દરિદ્રો જ છીએ. આપે પુણ્ય બાંધ્યું. લહેર કરો; અનુપમા રાજગઢમાં જઈને કશું પણ બકે તેવી ગાંડી નથી.”