પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મા ને પરિવાર
13
 

તે તો ચાલ્યા ગયા.” એમ કહીને મા મોં ફેરવી ગઈ.

ઘોડું આગળ ચાલ્યું, બે છોકરા પાછળ ચાલ્યા, વારંવાર પાછા જોતા આંખમાં વિદાયનાં અશ્રુ લૂછતા ગયા, ને ન સહાતી વિચ્છેદવેદનાને દબાવી લેવા મથતો વસ્તિગ દૂર દૂરથી પોતાની મોટી બહેન માઉને ઉદ્દેશીને 'મ્યા... ઉં.... ઉં... ઉં...' એવા સ્વરે હસાવતો રહ્યો.

અગિયાર સંતાનોની વૈધવ્યવતી માતાએ પુત્રોની પીઠ ઉપર હેતના હાથ પંપાળતી દ્રષ્ટિ ક્યાંય સુધી લંબાવ્યા કરી; એકાએક એને યાદ આવતાં એણે મોટી પુત્રીને પૂછ્યું: “વયજૂ ! તેં તેજિગભાઈનું ઉત્તરીય કુડતું સાંધી આપેલું કે નહીં?”

"એ તો ભૂલી ગઈ, મા!”

“છોકરો ટાઢે ઠરશે.”

"એને તે ટાઢ વાતી હશે કદી, બા” માઉએ કહ્યું, "પરોઢે ઊઠીને તો તળાવે જઈ નહાઈ આવ્યો હતો. એ તો કહે છે ને કે મારે તો જબરા જોધારમલ થવું છે."

"બહુ લવલવિયો છે તેજિગ !” માનો ઠપકો હેતમાં ઝબોળેલો હતો.

“વયજૂ જેવો જ.” સોહગાએ ધનદેવી સામે નજર કરી.

"રંગ પણ બેઉના કાળા કાળા કીટોડા"

"ને તને તો, વયજૂ, ભાઈ રજપૂતાણી બનાવવાનો છે ને!”

વિદાયનો પ્રભાતપહોર એવા વિનોદનો પલટો ધરી રહ્યો હતો તે વખતે લવણપ્રસાદની સાંઢણી ત્યાં થઈને નીકળી.

દાઢીવાળા પ્રૌઢ વયના રાજપૂતને નિહાળી વિધવા વાણિયણ નીચે જોઈ ગયાં.

લવણપ્રસાદે જરાક સાંઢણી થોભાવરાવીને બાઈને જોયાં. જૂની કોઈ યાદનું કુતૂહલ ઉદ્ભવતાં એણે પ્રશ્ન કર્યો, “કેવાં, પોરવાડ છો, બાઈ ?"

"હા ભાઈ, તમારે ક્યે ગામ જવું?”

"પાટણ; પેલા છોકરા તમારા છે?”

“હા."

“ક્યાં જાય છે?”

"પાટણ... રસ્તે કશો ભો તો નથી ને, ભાઈ?”

"પાસે કશું જોખમ છે?”

“ના, ના, બબ્બે જોડ જૂનાં કપડાં જ છે.”

"ત્યારે શાનો ? તમને ક્યાંઈક જોયાં હોય તેવું લાગે છે.”

કુંઅરબાઈએ પણ લવણપ્રસાદને નિહાળીને જોયા. પણ એકાએક એ પાસું ફેરવી ગઈ. એણે પોતાના પાડસૂદીના પિંડા જેવા દેખાતા પેટના સુંદર ગૌરવરણા