પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
256
ગુજરાતનો જ્ય
 


નાટ્યમંદિર વખરાયા પછી વસ્તુપાલ પોતાના નાના ભાઈને ઉતારે ગયો અને નવા સમાચાર વિશે ચર્ચા કરીને પોતે પોતાનો વિચાર જણાવ્યો: "તું અને અનુપમા, લલિતા અને સોખુ, સંઘનું સંચાલન કરો. હું એકલો પાછો ફરી જાઉં.”

તેજપાલ ચૂપ રહ્યો.

“ચૂપ કેમ બેઠો છે?” મોટાભાઈએ પૂછ્યું.

“તમે કહો તેમ કરું. બીજું તો શું બોલું?” તેજપાલે એક આજ્ઞાંકિત નાનેરા તરીકે જ નહીં પણ જીવનભરના સૈનિકની અદાથી ટૂંકોટચ જવાબ વાળ્યો.

“તારા જવાબમાં ઉત્સાહ નથી, તેજલ !” વસ્તુપાલે ટકોર કરી.

“સંઘનું સંચાલન તો હું શું કરી શકું? હું તો સૈન્યના સંચાલનમાં જ સમજું.” તેજપાલે બગાસું ખાધું.

"જે કાળે જે માથે આવે તે કરતાં આવડવું જોઈએ ને?"

પતિને ચૂપ રહેલો જોઈ અનુપમાએ કહ્યું: “સંઘપતિથી સંઘ છોડાય?”

"પણ ગુર્જર રાજ્યને ઉપરથી ને નીચેથી બેય બાજુથી આપત્તિ આવી રહી છે. છૂપી ચડાઈઓ ગોઠવાય છે. હું અહીં કેમ રહું?"

એમ કહેતાં કહેતાં વસ્તુપાલ તંબુમાં આંટા મારવા લાગ્યો. પોતાને સંઘ ન છોડવાનું કહેનાર અનુપમા પ્રત્યે એને કંઈક ચીડ આવી.

અનુપમાએ પોતાનો પાલવ વધુ અદબરૂપે સંકોય અને નીચે જોઈને ફરીથી કહ્યું: “તોય આપનાથી સંઘને અંતરિયાળ ન છોડાય.”

વસ્તુપાલે ઊંચે જોયું. આ સ્ત્રી પોતાના નાનેરા ભાઈની વહુ, ધનદોલતના વપરાશમાં ને દાનપુણ્યાદિની વ્યવસ્થામાં સલાહ દેતી હતી ત્યાં સુધી તો વાત હદમાં હતી, પણ આજે એ એક ભયાનક જીવનક્ષેત્રમાં માથું મારી રહી છે ! એણે ભ્રૂકુટિ ખેંચીને કહ્યું: “પણ તમે કાંઈ સમજો છો કે સમજ્યા વગર બોલો છો? સૂરિજીને પણ મેં કબૂલ કરાવ્યું છે કે મારે પાટણ પહોંચી જવું જ જોઈએ. કહું છું કે ગુર્જર દેશને બે તરફથી ભીંસ થવાની છે.”

“તો જેઠજીએ ત્રીજી દિશાએથી પણ શત્રુ જાગવાનું નક્કી સમજી લેવું.”

અનુપમા હજુ પણ જેઠનાં નયનોનાં અગ્ન્યાસ્ત્રોને અવગણતી જવાબ દેતી ઊભી.

“ત્રીજી દિશા?”

“હા, આ સૌરાષ્ટ્ર દેશના ઠાકોરોને ખબર પડે એટલી જ વાર લાગશે.”

“કઈ રીતે પડશે?”

“મંત્રીજી પાછા જશે એટલે સંઘમાં ચણભણ થયા વગર રહેશે? કોના મોં આડા હાથ દેવાશે? ને બીને બધા ભાગશે તો?”