પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
258
ગુજરાતનો જ્ય
 


“સૌરાષ્ટ્રનો કાંઠો તો જોખમને ન હોય ત્યાંથી તેડાવે તેવો છે. એ રેઢો ન મુકાય. તાપીનો કાંઠો સાચવવામાં તો એકલા લડાયક બળની જરૂર છે. આટલો એક પ્રહર જવા દીધો શા માટે? અત્યારે તો એ ધોળકે પહોંચી ગયા હોત.”

“મને જવા દો, મોટાભાઈ ! મોડું થાય છે.” તેજપાલ હિંમત કરીને બોલ્યો.

"સારું,” શરમિંદા વસ્તુપાલે ટૂંકું પતાવ્યું, “વધુ ચર્ચાથી લાભ શો ! વહુ સાચું કહેતી હશે ! તું ઊપડ; ગોધ્રા ઉપર થઈને તાપીને તીરે સૈન્ય ગોઠવ અને પચીસ હજારને આબુ તરફ રવાના કર. હું મહામંડલેશ્વર ધાર પરમારને ખબર આપું છું, તારે ઉતાવળ કરવાની નથી. આ લે.” એમ કહીને એણે તેજપાલને એક મુદ્રા આપી, “તને આવી મુદ્રા સાથે કોઈનો સંદેશો મળે ત્યારે જ હુમલો કરજે, તે પૂર્વે નહીં.”

એમ કહીને એ ગયો, અને તેજપાલને શરીરે પત્નીએ તે રાત્રિએ અર્કો અને ફૂલહારો સજાવવા સાચવ્યાં હતાં તેને છુપાવી દઈ વિદાયનાં વસ્ત્રો-શસ્ત્રો સજવામાં સહાય કરી; થોડું કંકુ એને કપાળે ચોપડ્યું.

“ઠીક થયું, અનુ” તેજપાલે હસીને કહ્યું, “મને તો આ દેરાં ને દેવલાં વચ્ચે, આ મેળા અને નાટકો વચ્ચે કીડીઓ ચટકા ભરતી'તી. આ તે કંઈ મારું કામ છે” કહેતો એ સાંઢ્ય પલાણી ગયો.