પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
262
ગુજરાતનો જ્ય
 

પરદેશીએ કહ્યું: “મને તો ભય છે કે તમે યવનોને દેખી કટાર પેટ નાખવાની હિંમત નહીં કરી શકો. ને કદાચ રજપૂતાણીને પોતાનું શિયળ બચાવવા એ કટાર ઝૂંટવી લઈ પેટ નાખવી વધુ ફાવશે.”

“રાક્ષસ !" કહેતો વીરધવલ ખડો થઈ સમશેર ખેંચવા લાગ્યો.

"આંહીં નહીં, આંહી શિવાલય છે; ચાલો ખડકી બહાર, તમને જરા મહાવરો પડાવું.”

એમ કહીને આ પરદેશી ઊઠ્યો, પણ એનું મસ્તક જાણે ગગનમંડળમાં પહોંચતું લાગ્યું. એણે પૂર્ણ સ્વસ્થતાથી વીરધવલનો હાથ ઝાલ્યો ને કહ્યું: “ચાલો બહાર.”

“નથી આવવું, તું કોણ લઈ જનાર?”

"હવે ના પાડો તે કંઈ ચાલે? ચાલો, ત્યાં અંધારું છે પણ યવન નથી. ચાલો.”

વીરધવલને આ પુરુષના પંજાનો સ્પર્શ પણ કોઈ અજબ રીતે શાતાકારી લાગ્યો એટલે એ અંધકારમાં પણ બહાર ખેંચાતો ચાલ્યો. પરદેશીના પંજાના સ્પર્શમાં શીતળતા આપે તેવી કોઈક વિચિત્ર ઉષ્મા હતી. ખરેખર, જાણે કોઈક ઉસ્તાદ, કોઈક શસ્ત્રગુરુ એને કંઈક તાલીમ આપવા લઈ જતો હતો !

મંદિરની પાછળ ચંદ્ર ઊગતો આવતો હતો. તેની વચ્ચે ઊંચાં ને જાડાં, વાંકા ને ટેડાં, હલતાંચલતાં ને વાતો કરતાં હોય તેવાં જમાનાજૂનાં ખોખડધજ વૃક્ષો ઊભાં હતાં.

"લો, ક્ષત્રિય !” પરદેશીએ કહ્યું, “ચલાવો તલવાર; પણ હંમેશાં શત્રુ લગોલગ હોય ત્યારે તો નાનકડી કટારી જ વધુ ફાવે, જુઓ, કટારી આમ નાખીએ.”

એમ બોલતાં જ એણે પોતાની કમ્મરમાંથી ખેંચેલી એક ગરેડીવાળી કટારીને સામે ઊભેલા ખીજડાના થડ ઉપર વહેતી કરી. ઘા એક તોતિંગ ખીજડાના થડ પર ભચ દઈને બેઠો. દોરીવાળી ગરેડી ખીજડાના થડમાં ખૂંતીને પાછી નીકળી એના હાથમાં આવી ગઈ, ફરી પાછી એણે નાખી, ફરી કટાર ખીજડાના થડમાં ખાડો પાડી પાછી પંજામાં આવી. એમ ઝબ ઝબ ઝબ આવી ને ગઈ, ગઈ ને આવી; પલકમાં એણે પંદરેક ઘા કરી લીધા.

ચંદ્રને અજવાળે વીરધવલ સ્તબ્ધ બની આ કટારી-ખેલ જોઈ રહ્યો. ખરેખર, જાણે એ કટારી વાપરનારો રમત જ કરતો હતો. એની કાયામાં કે એના કલેજામાં કશો ધગધગાટ નહોતો. એણે કટારીને દોરી વીંટાળીને પાછી કમ્મરમાં મૂકતાં મૂકતાં કહ્યું કે, “યવન યવન શું કરો છો? યવનનેય બે હાથ ને બે પગ હોય છે. ફેર માત્ર એટલો જ છે, ઠાકોર ! કે યવન આળોટેલ છે ધગધગતી રેતીનાં રણોમાં અને