પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
264
ગુજરાતનો જ્ય
 

હતો. પોતાનાથી પંદર વર્ષ નાનો છતાં દેહ ને વાણીએ વડીલભાવ આપોઆપ સ્થાપિત કરે તેવા આ પરદેશી રાજપૂતનું ગુર્જરધરા પર ઊભે ઊભે આવું બટકબોલું આચરણ રાણા વીરધવલને વિસ્મય પમાડતું હતું. સાથોસાથ વૃદ્ધ પિતાની છાતીફાટ પ્રશંસા એને પોરસ દેતી હતી.

“ચાલો ચાલો, ઠાકોર" પરદેશીએ કહ્યું, “આપણા જેવા બેને દ્વંદ્વ કરવું હોય ત્યારે વચ્ચે કોઈક જોઈએ.”

"કોઈક કોણ ?”

"કાં કોઈક ધર્મભગિની, ને કાં કોઈક પ્રેયસી પદમણી. તે વગર દ્વંદ્વની શોભા શી ?”

બોલતાં બોલતાં એના ચહેરા પર બેઉ ગાલે ગલ પડ્યા. પાછા વળતા વીરધવલે પૂછ્યું, “તમે આબુમાં શું કરો છો ?”

"પરમાર ધારાવર્ષદેવનો સૈનિક છું. તેમના તરફથી દેવપૂજાનું ઘી લઈને બહેન અનુપમા પાસે જાઉં છું.”

“બાપુ ! રાણાજી !” એમ બૂમો પાડતા વીરધવલના રાયકાએ મશાલ લઈને દોડતાં આવીને કહ્યું, “બા પધાર્યા છે"

'રાણા' 'બાપુ' 'બા' વગેરે શબ્દોએ આબુવાસીને ચમકાવ્યો. આબુવાસી કળી ગયો. એ બીજે રસ્તે ચાલ્યો ગયો.

જેતલદેવી મંદિરની ખડકી પર જ ઊભાં હતાં.

"ક્યાં ભાટકો છો ?” રાણીએ હસતાં હસતાં પૂછ્યું.

"જરાક – જરાક આઘો નીકળી ગયો.”રાણા વીરધવલ પણ હસ્યા, “તમારે પોતાને જ આવવું પડ્યું !”

"એવી ઉતાવળ હશે એટલે જ તો ! ચાલો, રાત છે, મને સાંઢ્ય પર જ લઈ લો; ને તમે જ હાંકો જોઉં, કેવીક આવડે છે !”

પતિ-પત્ની સાંઢણી પલાણીને ચાલ્યાં; ને રાણા બોલ્યા: “ભારી મોજ આ તો ! જાણે તમને હરણ કરી લઈ જતો હોઉં !”