પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સિંઘણદેવ
269
 


સાંધિવિગ્રહિક એટલે આજે જેને એલચી કહેવામાં આવે છે તેનું સ્થાન તે કાળે મહત્ત્વભર્યું હતું. રાજાની પાસે જવાનું એ એક અનિવાર્ય મધ્યદ્વાર હતું. નવા આવનારે એના હાથમાં એક સાંકેતિક ચિહુન કાઢીને ધરી દીધું. સાંધિવિગ્રહિક એ ચિહ્‌નને નિહાળ્યા પછી આ નવા માણસ સામે શંકિત નજરે નિહાળી રહ્યો. એના દેહ પર, કપડાં પર, મોં પર, આખા દેખાવ પર દિવસોના દિવસો સુધીના વિકટ પ્રવાસની એંધાણીઓ હતી.

સાંધિવિગ્રહિકે કહ્યું: “મહારાજ તો પ્રયાણ કરતા હશે.”

“હા, એ તો મેં શંખ સાંભળ્યો.” નવા આવનારે બેપરવાઈથી કહ્યું, "ને એ પ્રયાણ રોકવા જ મને ગણપતિદેવે અણીને ટાંકણે અહીં પહોંચાડ્યો છે.”

"પણ સામે પાર જઈને પછી જ મળો તો શું ખાટું-મોળું થઈ જાય છે ?"

“તે તો તમે જો મહારાજ હોત તો હું તમને જ કહેત ! પણ મને તો મહારાજને જ કહેવાનો આદેશ છે, એટલે તમે જો મને ન લઈ જતા હો તો તાપી-પાર કરાવવાનું સઘળું જોખમ તમારે શિરે છે.”

એમ કહેતો એ નવીન માણસ મોં બગાડીને પાછો વળતો હતો, એટલામાં તો ફરી વાર અંદરના રાજપડાવ પરથી શંખધ્વનિ ઊઠ્યો. વળી ગયેલા નવીને પાછું મોં ફેરવીને સાંધિવિગ્રહિક તરફ જોયું, જોઈને પાછો એ ચાલતો થયો. ચાલતો ચાલતો બોલતો હતો કે “તાપીને સામે પાર મહારાજ પહોંચી રહ્યા ! કેવા બુદ્ધિજડ સાંધિવિગ્રહિકો રાખ્યા છે ! મહારાજને હું કહી કહીને થાક્યો છું, ગુજરાતમાંથી એ જ કહાવ્યા કરતો...”

સાથેના ભટે એ સાંભળ્યું ને એણે વિમાસણ અનુભવી. એને લાગ્યું કે આ માણસ પાસે મહારાજ સિંઘણદેવને કશુંક જીવનમૃત્યુની કટોકટી બાબત કહેવાનું છે. એને લાગ્યું કે આ માણસ મહારાજનો સુપરિચિત હોવો જોઈએ, મહારાજ સાથે હું જ મેળવી આપું તો મારો બેડો પાર થઈ જાય. એણે નવીનને કહ્યું: “હું તમને બીજી ચોકી પરથી મહારાજ પાસે લઈ જાઉં ?”

"તારી ખુશી, ભાઈ ! તું જોખમ ખેડ એમ હું શીદ કહું ? પડેને બધું ચૂલામાં ! એ તો હું મહારાજને તટ પર જ મળીશ ને રોકીશ, પણ આ હજારોનો ઘાણ નીકળી જશે તેનું શું ?”

એમ બોલતો બોલતો એ તો ચાલતો જ થયો હતો. એણે પગલાં ધીમાં પણ ન પાડ્યા, એટલે ભટનો ઉત્સાહ વધ્યો: “ચાલો ચાલો, હું તમને લઈ જાઉં.”

“તો ચાલને ઝટ, ભાઈ ! મોત કાં કરાવ છ સૌનું ?” એમ એ જાણે, ભટ પર ઉપકાર કરતો ને હાથ રાખતો હોય તેવી અદાથી કચવાટ બતાવી પાછો વળ્યો