પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
270
ગુજરાતનો જય
 

ને અંધકારમાં ભટ એને જુદે રસ્તે લઈ વળ્યો.

એ છાવણી ગુજરાત પર ચડાઈ લઈ આવતા દેવગિરિરાજ સિંઘણદેવની હતી. તાપી નદીને પાર કરવાને મુકરર થયેલી આ રાત્રિ હતી, ને સામા તીર પરથી શરૂ થતા લાટ નામના પ્રદેશમાં આ દેવગિરિરાજની ફોજને ગુપચુપ આગળ લઈ જવા માટે, ગુર્જર દેશમાં પેસાડી દેવા માટે, ભૃગુકચ્છના સંગ્રામસિંહે સર્વ તૈયારી કરી રાખી હતી. તાપી ઊતર્યા પછી એના આક્રમણને ખાળનાર કોઈ શક્તિ બાકી રહેતી નહોતી. તાપીનાં નીર પર રાત્રિએ તરનાર તરાપા ગુર્જર દેશનું પ્રારબ્ધ આંકી નાખવાના હતા.

સિંઘણદેવ પોતાના પડાવને દ્વારે ધુંવાપૂવાં થતાં ઊભા થઈ રહ્યા હતા. આખરી ઘડીએ આવીને કોઈકે પ્રયાણ થંભાવ્યું છે એવા સમાચાર એના સુધી પહોંચી ગયા હતા. એ બેમાથાળો કોણ હતો ? એને કેમ કોઈએ ન પકડ્યો ? એને જવા ન દેતા ! એવી આજ્ઞા છૂટતી હતી ત્યાં જ એ નવીન માનવીએ તંબૂને દ્વારે આવીને સવિનય સંભળાવ્યું: “આ રહ્યો એ હું, મહારાજ ! વખતસર આવ્યો છું. એકાંતે પધારો.”

“કોણ છે તું ?” મહારાજ સિંઘણદેવ આ અણદીઠા આદમીની હિંમત પર મનમાં હરખાતા હરખાતા કરડે ચહેરે પૂછી રહ્યા.

“હું કોણ છું તે પછી કહું. પહેલાં તો કૃપાનાથ મારી સાથે એક ઠેકાણેથી મોકલાયેલો સંદેશો સાંભળી લે ને પ્રયાણનો નિર્ણય બદલી નાખે.”

"પ્રયાણનો નિર્ણય બદલવાનું કહે છે !” દેવગિરિના રાજવી સહેજ મરક્યા અને એના મોંની અંદર ગલોફાને એક ખૂણે રસઓગળતા તાંબૂલની લાલાશ મશાલોને અજવાળે દેખાઈ, મીઠી સુગંધ બહાર નીકળી: “છોકરા ! કોનો સંદેશો તું લઈ આવ્યો છે ? કયા ચમરબંધીનો ? પેલા ધવલક્કના રાણાનો ?"

“નહીં અન્નદાતા ! આ માણસનો.”

એમ કહીને એ યુવાને સિંઘણદેવની પાસે એક મુદ્રા ધરી દીધી.

“સેનાપતિને કહો કે પ્રયાણ ફરી આજ્ઞા થતાં સુધી રોકી રાખે.” એ મુદ્રાને બરાબર તપાસીને પછી તાકીદથી સિંઘણદેવે આવો આદેશ બહાર મોકલ્યો. આ નવા આવનારને પોતાના રહસ્ય-મંદિરમાં લીધો અને પૂછ્યું: “ક્યાં છે સુચરિત ?”

"ગુર્જર દેશમાં જ છે. વસ્તુપાલ મંત્રીના યાત્રાસંઘમાં ભમતા હતા, પણ ચંદ્રપ્રભા દગલબાજ નીવડી છે, સુચરિતજીને સંતાઈ જવું પડ્યું છે. આ સંદેશો આપને પહોંચાડવા હું માંડ બહાર નીકળી શક્યો છું.”

"શું કહેવરાવ્યું છે ?”

"કે ગુર્જર સૈન્યની તૈયારીઓ ગજબ મોટી છે. આપણી ચટણી થઈ જશે.