પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સિંઘણદેવ
273
 

અભાવ એ રાત્રિએ એને ભારી ખટક્યો.

છેલ્લા સમાચાર વસ્તુપાલના સંઘ વિશે પૂછતાં યાદવપતિએ મોં બગાડ્યું. એના સંસ્કારી વદન પર કરડાકી પથરાઈ ગઈ. મોંની પ્રત્યેક રેખાએ કંટાળો ખાઈ આળસ મરોડ્યું. એના લલાટ પરનું ત્રિપુંડ ટુકડેટુકડા થઈ જતું દેખાયું. એ બોલી ઊઠ્યા: “આ શ્રાવકડાઓ જ હરહંમેશ ગુર્જર દેશને ક્ષીણ, હતવીર્ય કરી કરીને યવનોનાં આક્રમણ-દ્વાર આપણા દક્ષિણ ભૂમંડલ માટે ઉઘાડાં કરી આપતા જાય છે.”

“સાચું કહો છો, કૃપાનાથ !”

આ યુવકે સંઘનું ભળતું જ વર્ણન કરી બતાવ્યું. એ આખા વર્ણનમાં વણિકોની ઠેકડી અને શ્રાવકોના દોરવ્યા ક્ષત્રિય રાજાના ઉપહાસ જ ઊભરાતા હતા. એનું શ્રવણ કરતો કરતો યાદવપતિ ગુર્જરભૂમિને હતવીર્ય બનેલી, તુરકોનો માર ખાઈ ખોખરી બનેલી, પાકા ટબા બોરની જેમ પોતાના મોંમાં આવી પડેલી કલ્પતો હતો. એની એવી કલ્પનાને નવો આવનાર યુવાન શબ્દ શબ્દ લાલન કરાવી રહ્યો હતો. એણે યાદ કરાવ્યું :

“મંત્રી વસ્તુપાલની કરામતોના બધા જ મકોડા ઢીલા કરતા કરતા આપણા સુચરિતજી છૂપા ઘૂમી રહેલ છે, અન્નદાતા ! આપ નચિંત રહો; ગુર્જરભૂમિ પાંચે-પંદરે જ આપની વલ્લભા બનશે..ને એમ બનવું જો કોઈ વચેટિયાની જરૂર વગર શક્ય હોય તો...”

“હાં, હાં," યાદવરાજ સિંઘણદેવે શયન સમયનું છેલ્લું તાંબૂલબીડું ચાવીને કસ્તૂરીની માદક સુગંધ ભભકાવતે કહ્યું, “તો પછી આપણે સંગ્રામસિંહનો ઉપકાર શા માટે લેવો ?”

એટલા વાર્તાલાપને અંતે એ નવો આગંતુક જ્યારે સૂવા ગયો ત્યારે એણે નીચો શ્વાસ મૂક્યો.

સૂવાટાણે એ યુવાનને બે ચિંતાઓ સતાવતી હતી. એક તો ક્યારે ક્ષેમકુશળ સવાર પડે અને પોતે તાપી-તટનાં બધાં ભાંગેલાં શિવાલયો જોઈ નાખે. અને બીજું, ક્યારે મંત્રીના સમાચાર આવે ને ચંદ્રપ્રભા વારાંગનાનું શું બન્યું તે પોતે જાણવા પામે.