પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદ્રપ્રભા
275
 

તપાસતો રહેજે. અવધૂત મહાત્મા માલવા બાજુથી આવનારા છે.” આવા મોઘમ શબ્દો સુવેગને માટે બસ થઈ પડ્યા.

“તો, પ્રભુ !” સુવેગે કહ્યું, “આનું શું કરવું છે ?”

“કોનું, ચંદ્રપ્રભાનું ને ? એને હમણાં કશું કરવું નથી. છોને બાપડી છેક પ્રભાસ સુધીની જાત્રા પૂરી કરે. વેશ્યાનો પણ ઈશ્વર તો છેના !”

"પણ હવે પકડાવી લઈએ તો ? મારું મન વિલંબ કબૂલતું નથી.”

“એનો પૂરો ભેદ હજુ આપણે પામ્યા નથી.”

“આપને કાંઈ શંકા રહી જાય છે ?”

"એનું સમાધાન સહેલું છે. તું આજે એને એટલું કહી જોજે કે સંઘના પડાવમાં સંખ્યાબંધ ગુપ્તચરો પકડાયા છે, અને હજુ એક દિલ્લીના બાતમીદાર બાઈની શોધાશોધ ચાલી રહી છે. બસ, તે પછી તું અદ્રદશ્ય થશે એટલે એને તારા પકડાઈ ગયાનું માનવામાં વાર નહીં લાગે.”

“એમ જ કરીશ. પણ આપને એ દિલ્લી તરફની લાગે છે ?”

"હા, સુલતાન મોજદ્દીનની જ મોકલેલી. પણ વધુ અત્યારે પૂછીશ ના. તું તારે જા.”

ગુપ્તચરોની પકડાપકડી વિશે જોશભેર અફવા આખા પડાવમાં ઊડી. રાત પડતાં સુધી માલવી ભટરાજ ન આવ્યો એટલે શેઠાણીને પૂરી ફાળ પડી, પોતે પણ ભય અનુભવ્યો. પ્રભાત પડતાં એણે રુદન આદર્યું. પોતાને ગામથી પોતાના શ્રેષ્ઠી સ્વામી ગુજરી ગયાના ખબર આવ્યા છે અને હવે પોતે સંઘને છોડી પાછી જવા માગે છે, માટે સંઘપતિ રજા આપે વગેરે વગેરે.

અનુપમા, લલિતા અને સોખુ ત્રણેયને લઈને મંત્રી એ શેઠાણીના પડાવમાં ગયા. એને ઝીણવટથી નીરખી અને દિલાસો દીધો કે, “તમારે જ્યાં જવું હોય ત્યાં તમને ચોકિયાતો દઈએ.”

"મારે કોઈની જરૂર નથી.”

"અરે, બહેન !” મંત્રીએ જરા જેટલી પણ શંકા પોતાને ગઈ છે એવું ન બતાવતાં કહ્યું, “સૌરાષ્ટ્રની બહાર તો તમને રખેવાળો મોકલી પહોંચાડવાં જ જોઈએ. પછી ધોળકાથી તમે ઠીક પડે તેમ તમારે વતન પહોંચજો.”

પડાવમાં આવીને મંત્રીએ લલિતાને પૂછ્યું: “લલિતા, એ જ કે નહીં ?”

“આબેહૂબ એ લાગે છે – આપણે ખંભાત રહેવા ગયાં ત્યારની જ વાત”

“હા, બરાબર બાર વર્ષ થયાં. એનું નામ તને યાદ આવે છે ?”

“હા, હરિપ્રિયા. રાંડી ત્યારે કેવું ભરપૂર જોબન હતું !”