પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મા ને પરિવાર
15
 


“સદીકે ને? હા, સદીક શેઠ ન કરે એટલું થોડું.” લવણપ્રસાદે સ્તંભતીર્થ બંદર તરફ દક્ષિણાદી દિશાએ ગરુડના જેવી નજર ચોડી.

પોતે કોણ છે તેનો ફોડ પાડ્યા વગર લવણપ્રસાદ ત્યાંથી નીકળી ગયો.

“એલા છોકરાઓ !” લવણપ્રસાદે પોતાની સાંઢણીની આગળ જતા ત્રણ છોકરાના કાફલાને આંબીને તરત જ ફાંગી આંખ કરીને કહ્યું: “પાટણ ભણવા જાઓ છો ને? તે ત્યાં શું જૈન ધરમની સજ્જાયું ને સ્તવનો આરડવાના છો કે બીજું કાંઈ?”

"ના જી,” વસ્તિગ બોલ્યો, “કાવ્યશાસ્ત્ર ભણશું અને સાહિત્ય ભણશું."

"ને આ મારા મોટાભાઈ,” તેજિગે લુણિગ તરફ આંગળી બતાવીને કહ્યું, “શિલ્પનું ભણશે.”

“હાં – રંગ ! એવું પોચું પોચું ને સુંવાળું જ ભણતર ભણવું હો, મારો બાપ્પો કરું ! નાહકના ક્યાંક મગદળ-બગદળ ફેરવતા નહીં. પટ-લાકડી હાથમાં ઉપાડવાં નહીં. શ્રાવકના ઘરમાં તો એ બધી હિંસા કહેવાય ના ! એના કરતાં આ સારું: કઈ બાયડીને હાથણી કહેવાય ને કઈને પદમણી...”

છોકરાઓ જવાબ તો ન આપી શક્યા, પણ બોલનારનાં નેત્રોમાંથી ચમકતી તેજ-કટારો દેખીને કૌતુક પામી સાંઢણીની સાથોસાથ દોડવા લાગ્યા. કદરૂપ દેખાતો લવણપ્રસાદ વધુ કુટિલ મોં કરીને બોલતો ગયોઃ “બાયડીને મૃગાક્ષી કહેવાય કે મીનાક્ષી પણ કહેવાય એના વાદ કરતાં બરાબર શીખવું, હો કે ! પછી મૃગાક્ષીઓ અને મીનાક્ષીઓ મૃગલાં ને માછલાંની માફક ઝલાતી, ફસાતી, લૂંટાતી ને તરફડતી મરતી હોય તેને કેમ રક્ષવી, તેનું કાંઈ ભણતર તો આપણા ધરમમાં નથી એ જ રૂડી વાત છે. નાહકની હિંસા થઈ બેસેને ! બાકી સાચું ભણતર તો અપાસરામાં ગોરજીની સામે ઊઠબેસ કેટલી કરવી અને પારસનાથની પ્રતિમાને કેસરના કેટલા ચાંદલા ચોડવા એ જ છે, હો કે છોકરાઓ”

“અમે દેરા-અપાસરામાં જતિઓ પાસે નથી ભણવાના, અમે તો ગુરુ કુમારદેવના આશ્રમમાં ભણશું.”

“ક્યાં ?"

“સહસ્ત્રલિંગને તીરે કટુકેશ્વરમાં.”

ત્યાં કુસ્તીના દાવપેચ, કટારના દાવપેચ, પટા-લાકડી અને ભાલાની વિદ્યા ભણાવે છે?” લવણપ્રાદે પૂછ્યું.

"ખબર નથી. હોય તો ભણીએ.” વસ્તિગે કહ્યું.

“તો તો હું પોથાં-થોથાંય દૂર કરું.” તેજિગ વધુ ઉત્સુક બન્યો.