પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
276
ગુજરાતની જય
 


"પણ, બ્રાહ્મણો એને જીવતી સતી કરવા માગતા'તા.”

“ને તમેય એને છોડાવીને શું વધુ સારું કરેલું ?” લલિતા બોલી, “તમે વળી જીવતી બાળવા માટે એને જૈન સાધ્વીઓને સોંપી હતી. તેમણે એને દીક્ષા દઈ દેવા દબાવી, પછી એ પરણી ગઈ'તી આરબને”

"આરબ એને અરબસ્તાન લઈ ગયો હતો એ વાત ખોટી લાગે છે, લલિતા ! એ લોકો દિલ્લી ગયેલાં, ત્યાં આરબ મરી ગયો ને આ છોકરી વારાંગના થઈ ગઈ એટલી વાત મને મળેલી.”

“પણ આજ શેઠાણી ક્યાંથી બની ?”

“હશે બાપડી ! પરણી હશે વળી કોઈ શ્રાવકને.”

એટલું કહીને એણે વાત પાકે પાયે કરી લીધી. પછી એણે વિચારી લીધું. દિલ્લીની બેસતી બાદશાહતે ઠીક કરામત માંડી હતી. એણે પોતાની ગુપ્તચર બાઈઓને બારોબાર નહીં પણ ગુર્જર દેશના શત્રુઓનાં ઘરોમાં થઈને પેસાડી હતી. કેટલાં વર્ષોથી આ સ્ત્રી ચંદ્રપ્રભા બનીને છેક સિંઘણદેવના દિલમાં સ્થાન મેળવી ચૂકી હશે ! દેવગિરિની બોલચાલ, પહેરવેશ, ઢબછબ, રીતભાત ને સંસ્કાર કેળવવા પાછળ કેટલાં વર્ષો ગાળ્યાં હશે, ને હવે આંહીંનાં ભેદ જાણી લઈ ગુર્જર દેશ તેમ જ દેવગિરિ બન્નેને રોળવાની તૈયારી કરાવવા દિલ્લી ચાલી ગઈ હોત તો ! વખતસર હાથ પડી ગઈ.

સ્વામીમરણના શોકનો પાઠ કરતી શેઠાણીને માટે એક સિગરામ જોડાવી દઈને વસ્તુપાલે એને પોતાના ચોકીપહેરા નીચે ધોળકા તરફ રવાના કરી. સંઘના પડાવમાં કંઈ પણ ખળભળાટ ન થાય તેની તેણે કાળજી લીધી. ધોળકામાં એ બાઈને પૂર્ણ જાપ્તામાં પણ સાથોસાથ પૂર્ણ માનસન્માનથી રાખવાની એણે પોતાના અધિકારીને સૂચના લખી.

એમના રવાના થયા પછી આબુવાસી સાંઢણી-સવાર રજા લેવા આવ્યો. એને ધારાવર્ષદેવ પરનો પત્ર ભળાવીને પીઠ થાબડી મંત્રીએ કહ્યું: “જા ભાઈ, સૌને જય અચલેશ્વર કહેજે અને કુંવર સોમ પરમારને કહેજે કે માણસોને ઓળખતા થાય, નહીંતર કટારીના ખેલમાં ને ખેલમાં ક્યાંઈક કોઈક દિવસ ઊંધુંચતું કરી મૂકશે ! સુખેથી પધારો.”

એવો મીઠાશ ભરેલો મર્મ આબુનો યુવાન પામી ગયો, અને પોતાને ગર્ભિત મળેલી શાબાશીથી બમણો પ્રોત્સાહિત બની પાછો સાંઢણી પલાણ્યો.

તે દિવસ રાત્રિના મુકામમાં અકસ્માત્ આ શેઠાણીવાળો ધોળકાનો રસાલો અને આ આબુવાસીની સાંઢણી એક જ ગામડે ઊતરી પડ્યા. એ પણ ભાલના