પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદ્રપ્રભા
277
 

જ ખારાપાટનું એક ગામ હતું. ત્યાં રાજ્યનો ઉતારો હોવાથી શેઠાણીવાળો પડાવ ઉતારામાં ગયો અને આબુવાળાએ પાદરમાં પીપળો અને પાણીનો કૂવો જોઇને સાંઢ ઝોકારી.

શેઠાણીએ આ સાંઢણીને નજરમાં રાખી હતી, પણ અસવાર ક્યાં ગયો હતો ને કોની પાસેથી આવતો હતો તેની એને ખબર નહોતી. ફક્ત એ મારવાડનો હશે તેટલી સરત એને રહી ગઈ હતી ને બીજી એની આંખોમાં સાંઢણીની પવનવેગી ચાલ રહી ગઈ હતી. એનું દિલ તો કૂદી કૂદીને સાંઢણી પર પલાણવા દોડવા લાગ્યું. પણ એને બહાર નીકળવાની હિકમત સૂઝવી હજુ બાકી હતી.

એને લઈ જનાર સૈનિકટુકડીનો ભટ દૂર બેઠો હતો. એને આશા હતી કે આ બાઈને માનપાન સહિત ધોળકે લઈ જઈ રાણાજીને પત્ર દેવો, અને બાઈને માથે અચાનક દુઃખ પડ્યું છે એટલે એને માર્ગે સાચવવાં, રેઢાં મૂકવાં નહીં રખે કદાચ મૂંઝાઈને ન કરવાનું કરી નાખે.

પ્રૌઢ વયનો સૈન્ય-નાયક પોતાની પુત્રીના તાજા વૈધવ્યનો ઘા યાદ કરીને બેઠો હતો. તેમાં એને ઉતારામાંથી બાઈનું તેડું આવ્યું. પોતે પૂર્ણ અદબથી બાઈ પાસે ગયો.

વૈધવ્યનું કોઈ નામનિશાન પણ ન હોય તેવું એને એક જ પલમાં લાગ્યું. પોતાના સૌંદર્યની જાળ ફેંકીને બાઈએ પૂછ્યું: “હેં ભટજી. મંત્રીજીના ઘરમાં કાંઈ કંકાસ બંકાસ થયો હતો ?"

“ના બા, અમને ખબર નથી.”

"ત્યારે મને શીદને કાઢી હશે ? મારો શો વાંક હતો ? મને તો તેડાવી એટલે આવેલી"

ચમકેલા સૈન્ય-નાયકથી પુછાઈ ગયું: “તમને કાઢ્યાં ? કોણે કાઢ્યાં ? તેડાવેલાં વળી કોણે?"

“અરે બાપુ ! તેડાવે તો બીજો કોણ ? જેને વા'લાં લાગતાં હોઈએ તે જ તેડાવે ના ! ને કાઢે પણ એ જ ના ! કહે કે જાઓ ઝટ, નીકર આ ઘરની બૈરીઓ મારો ભવાડો કરશે !”

સૈન્ય-નાયક તો ઘા ખાઈ ગયો; મંત્રીની રખાત હશે !

ત્યાં તો આ સ્ત્રીએ પોતાના મન સાથે વાતો કરતી હોય તેમ કહ્યું: “હવે વળી પેલી પાટણવાળી, પેલી કાશીવાળી, ને પેલી ખંભાતવાળીને કાઢવા કંકાસો મંડાશે. મને જેમ રાંડ્યાનો ઢોંગ કરાવી રવાના કરવી પડી તેમ એ ત્રણ જણીઓની વિદાયનાં પણ કોઈ ને કોઈ બહાનાં શોધવાં પડશેનાં ! ઠીક ! મારે શું ? હું તો મારે