પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાત્મા
281
 

સમાધિઅવસ્થામાં રહેવા લાગ્યા હતા અને આઠેય પ્રહર જલતી ધૂણીનો ધૂંવા એ ઝાડીના લશ્કરી પડાવ તરફ લહેરાતો હતો. યોગીના શિર ઉપર ભૂખરું જટાજૂટ હતું ને એની દાઢી કમ્મર સુધીનું કલેવર ઢાંકતા શ્વેત રૂપેરી વાળે ઝૂલતી હતી.

સુવેગે ફક્ત એ ધૂણીના ધુમાડાની શેડ અને એમાંથી ચાલી આવતી મુકરર પ્રકારની સુગંધ પારખી લીધી અને એણે તે શિવાલય તરફ જવાનું સદંતર બંધ કરી દીધું; પરંતુ છાવણીના દખણી સૈનિકો રોજ રોજ આ કોઈક નવા આવેલા અવધૂતની અલગારી વાતો લાવતા થયા અને ઉત્તરોત્તર એ યોગીની પ્રસિદ્ધિ સિંઘણદેવના તંબુમાં પણ બોલાતી થઈ.

જોગી જોગટાઓ ઉપરની આસ્થા એ સિંઘણદેવની એક સૌથી મોટી નબળાઈ હતી. અને ચમત્કારી પુરુષોને શોધવાની એને તાપીના તીર પર નવરાશ હતી.

દિનપ્રતિદિન મજબૂત બનતી જતી આ યોગી વિશેની અફવાઓએ સિંઘણદેવને એક દિવસ ઉત્સુક કર્યો અને તેણે સુવેગને સાથે લઈ એ જીર્ણ શિવાલય તરફ અશ્વો હાંક્યા.

આંખો મીંચીને પાવડી પર દેહ ટેકવી બેઠેલા યોગીને કાને, પાસે બેઠેલા સેવકોએ શબ્દો સંભળાવ્યા: “મહારાજ આવે છે.” એ શબ્દોએ યોગીને ચમકાવ્યા અને એણે આંખો ઉઘાડી. એ આંખોમાં ભયભીતતા ભરી હતી. મહારાજા સિંઘણદેવ અને સુવેગ આવીને નમસ્કાર કરવા લાગ્યા ત્યાં તો એ સાધુનું શરીર વધુ સંકોડાયું.

મહારાજે યોગીને પગે હાથ દીધો તો યોગીનું આખું કલેવર ચમકી ઊઠ્યું.

સુવેગે પ્રશ્ન પૂછ્યો: “ક્યાંથી પધારો છો, મહારાજ ?”

યોગીએ કશો જવાબ ન વાળ્યો. એણે ઊલટા વધુ ચોંકીને પોતાનું જટાજૂટ બે હાથે દબાવી રાખ્યું.

સુવેગે સિંઘણદેવ તરફ ફરીને દક્ષિણી ભાષામાં કહ્યું કે, “મહારાજ, આપ શ્રદ્ધાળુ છો અને પોતે પવિત્ર છો એટલે બીજાને સૌને પવિત્ર માની લો છો; મને આમાં કાંઈક પાખંડ લાગે છે.”

એ શબ્દ બોલતાંની વાર જ ચોપાસ ઊભેલા, યોગીના સેવક બની ગયેલા સૈનિકોએ એકસામટી અરેરાટી કરી અને સિંઘણદેવે પણ મહાત્મા પ્રત્યેના આવા ખુલ્લા અપમાનકારી શબ્દો સાંભળી મોં બગાડ્યું.

“મહારાજ મારું નહીં માને !” એમ કહીને સુવેગે ફરી કહ્યું, “મહારાજ, મારા ભોળિયા શંભુ, એટલું તો સમજો કે હું દેવગિરિના ગુપ્તચર સુચરિતજીનો ચેલો છું, હું સંસ્કારવંતા યાદવપતિનો સેવક છું. મારી આંખ કદી ખોટું વાંચતી નથી. હું આ મહાત્માની પ્રત્યેક ચેષ્ટામાં કંઈક ભેદ ભાળું છું.”