પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
282
ગુજરાતનો જય
 

“શો ભેદ ?”

"જુઓ આ,” એમ કહીને સુવેગે એ મહાત્માની જટા પર પંજો નાખ્યો. નાખતાં જ જટાધારી ઊઠીને નાઠો. એ નાસવાની છટામાં મહાત્માપણું નહોતું પણ તસ્કરપણું હતું એ સૌ કોઈ જોઈ શક્યા.

“સૈનિકો, પકડો એ જોગટાને –" એવી બૂમ મારતો પણ કોઈને દોડતા ન જોતો સુવેગ પોતે જ એ સાધુની પાછળ ગડગડતી દોટ કાઢીને પહોંચી ગયો અને એની જટા ખેંચી કાઢી.

"હં.. હં.. હં..” એમ બોલતા સૈનિકો અને સિંઘણદેવ દોડીને જ્યાં પાસે જાય ત્યાં તો એ જટા નામનો બનાવટી કેશનો જથ્થો સુવેગના હાથમાં આવી પડ્યો હતો અને એની અંદર એક નાનકડી બરુની નળી ભરાવેલી હતી.

સિંઘણદેવનું વિસ્મય શમે તે પહેલાં સુવેગે એ જોગટાની દાઢી પર હાથ નાખ્યો. દાઢી પણ સરળતાથી આખી ને આખી ખેંચાઈ આવી.

"હવે કહું છું કે પકડો આને –" એવી સુવેગની ત્રાડ સાંભળીને સૈનિકોએ એ ઉઘાડા પડી ગયેલા ચહેરામોરાવાળા બુઢ્ઢાને બદલે જુવાન વેશધારીને ઝાલી લીધો. સુવેગે જટા ઉખેળી, ખંખેરી તો તેમાંથી એક મુદ્રા અને બીજી ચીજો નીકળી પડી અને તે સર્વ ઉપર જે નિશાનીઓ હતી તે સુવેગે સિંઘણદેવને સ્મિતભેર પોતાના ખોબામાં ધરીને બતાવી કહ્યું: “લો, જોઈ લો, મહારાજ! આ યોગી મહાત્માની ત્રિકાળ સિદ્ધિઓ !”

સિંઘણદેવ ચીજો જોવા લાગ્યા અને પૂછ્યું: “આ કોની મુદ્રાઓ છે ?”

"માલવરાજ દેવપાલની.” સુવેગે પોતાનો વિજય પરખીને સિંઘણદેવને અપમાન ન લાગે તેવી અદબથી કાનમાં કહ્યું.

આટલી વાત કરે છે ત્યાં તો એ ખુલ્લા પડી ગયેલા વેશધારીએ એકદમ સુવેગના હાથમાં પકડાયેલી પેલી બરુની નળી પર ધસારો કર્યો એટલે તો વહેમ વધુ મજબૂત બન્યો. અને ભ્રાંતિમુક્ત બનેલા સૈનિકોએ પણ આ થોડા વખત પહેલાના બુઢ્ઢા મહાત્માનું યૌવનબળ પારખી લઈ તેને બરાબર ભીંસમાં લીધો.

“સબૂરી રાખો મહાત્માજી, સબૂરી રાખો.” એમ કહેતો સુવેગ જેમ જેમ એ બરુની નળી ખોલવા લાગ્યો તેમ તેમ તો પેલા વેશધારીની આંખો, અવાજ અને હાથપગની ચેષ્ટા ભય અને અધીરાઈની અવધિ દેખાડવા લાગ્યાં; સિંઘણદેવનું અને સૈનિકોનું કૌતુક પણ તેટલા જ ઉછાળા મારવા લાગ્યું. આ બેઉની વચ્ચે ઊભેલો સુવેગ એ સર્વની અધીરાઈની જાણે હાંસી કરતો હોય અને પોતે આવડત, સામર્થ્ય તેમ જ સબૂરી ઉપરાંત દેવગિરિના રાજવી પ્રત્યેની નિમકહલાલીનો અખૂટ ભંડાર