પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાત્મા
283
 

હોય તેવો દેખાવ કરતો બરુની નળી ખોલવા લાગ્યો. એ ખોલવામાં એણે બીજાઓને ચીડ ચડે તેટલી બધી મંદતા ધારણ કરી હતી.

ખોલતો ખોલતો એ સિંઘણદેવને કહેતો હતોઃ “આપ જરા આઘા ઊભા રહો, મહારાજ ! કોને ખબર છે આમાં જીવલેણ ઝેરી સાપ હોય કે શું હોય ? માલવરાજનું તો ભલું પૂછવું. આપ આઘા રહો, આપ કૃપા કરીને દૂર રહો, મારી ચિંતા કરો મા. આપ લાખોના પાલણહાર છો. મારા જેવા તો આપને ઘણા મળશે.”

સુવેગનો એ દરેક શબ્દ તેમ જ એની બરુ ઉઘાડવાની આ ક્રિયા ભોળા સિંઘણદેવ ઉપર ધારેલી અસર પાડી રહી હતી.

આખરે બરુની નળીમાંથી એક નાનો પત્ર નીકળ્યો અને તેને દેખી પેલા જોગીવેશધારીએ એ પત્રનો નાશ કરવા માટે છેલ્લું જોર ખલાસ કરી નાખ્યું.

"સબૂરી રાખો મહાત્મા, સબૂરી રાખો !” એમ કહીને સુવેગે એની સામે ફરી મોં મલકાવ્યું અને સૈનિકો તરફ ફરીને એ બોલ્યો: “તમે સૌ મહારાજને સાચું કહેતા હતા, કે આ મહાત્માને શંભુએ પોતે જ મોકલ્યા હોય તેવી તેની વિભૂતિ છે. આ પત્ર વાંચીને મને ખાતરી થાય છે કે, શંભુ વિના આ મહાત્માનો આપણી સાથે કોઈ ભેટો ન કરાવત. હવે આ શંભુના દૂતને છાવણીમાં લઈ જાઓ અને પૂરી સંભાળથી એને સાચવી રાખો. જાઓ, મહારાજ સાથે મારે થોડુંક કામ છે.”

ટાઢાબોળ પડી ગયેલા એ વેશધારીને બંદીવાન કરીને છાવણીમાં મોકલ્યા. પછી સુવેગે સિંઘણદેવને કાગળ વંચાવ્યો. કાગળમાં લખ્યું હતું:

લાટપતિ સંગ્રામસિંહજી,
અવન્તીથી લિ. માલવરાજ મહારાજ દેવપાલદેવના ઝાઝા જુવાર વાંચશો અને સાચા મિત્ર તરીકે આપને ભેટ મોકલેલ અમારો આ પ્રિયમાં પ્રિય ધોળો ઘોડો સ્વીકારી લેશો. સિંઘણદેવની હિલચાલની શતરંજ કેવી રીતે ગોઠવવી તે તમને આ અશ્વ લાવનાર અમારો ગુપ્તચર બરાબર કહેશે. બની શકે તેટલી ત્વરાથી સિંઘણદેવના સૈન્યનો લાટમાં પ્રવેશ કરાવી લેશો અને પછીની કશી ચિંતા ન કરશો. પછીની બધી સંભાળ લેવા માલવ-સૈન્ય તમારી પાડોશમાં જ તૈયાર ઊભું છે. ચોસઠ જોગણીઓ તમને આ કાર્યમાં વહેલો યશ અપાવે અને ગુર્જર દેશનો સમગ્ર સાગર તીર તમને પોતાના સ્વતંત્ર રાજવી તરીકે સ્વીકારે એવો અમારો સંકલ્પ છે. અને એ સંકલ્પની સિદ્ધિને ઝાઝી વાર નથી.

કાગળનું વાચન સાંભળી સિંઘણદેવના મોં પર મોતિયાં વળી ગયાં.

એણે કહ્યું: “પકડો એ દગલબાજ સંગ્રામને.”

“ના, મહારાજ.” સુવેગે ઠંડીગાર વાણીમાં વિના ઉશ્કેરાટે કહ્યું, “હજુ હમણાં આપણે સાપ બાંડો નથી કરવો. હજુ એનો દોષ પૂરેપૂરો પુરવાર પણ નથી થયો.