પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપુ જીત્યા !
289
 

આ કહ્યાઃ “સાધુનું હામીપણું વસમું છે, હો વત્સ!”

એ બે મુસાફરોમાં બુઢ્ઢા હતા લવણપ્રસાદ અને પ્રૌઢ હતા મંત્રી વસ્તુપાલ.

માતાની પ્રભાત-પ્રફુલ્લિત છાતી ઉપર રમતી દીકરી જેવી નૌકા ડોલતી હતી અને બંને મુસાફરોના પ્રાણને ડોલાવી રહી હતી.

"હં, પછી ભદ્રેશ્વરમાં શું બન્યું, બાપુ?” વસ્તુપાલ રાણા લવણપ્રસાદ પાસેથી એ વાત સાંભળતો હતો.

“તને ખરું કહું?” બુઢ્ઢા લવણપ્રસાદ હસતા હસતા કહેતા હતા, "વીરધવલને લઈને હું એકલો જ્યારે ભદ્રેશ્વર જવા નીકળ્યો ત્યારે છાતી થડક થડક થતી હતી. સૈન્ય ક્યાં હતું તે સાથે લઉં ! મને શી ખબર કે તારો ભાઈ બધી સેના સિંઘણદેવ સામે ગોઠવી રહ્યો હશે ! મને એવી શી ગમ કે તુંય ગિરનાર-શેત્રુંજાના ને પ્રભાસના તારા ભગવાનને આખી જાત્રામાં ઊંઠાં ભણાવતો હઈશ? મેં તો એકલા વીરધવલને ભદ્રેશ્વરને પાદર ઊભો રાખ્યો અને તારી પાસેથી થોડી શીખેલો તે વાણિયાગત અજમાવી.” એમ કહેતાં કહેતાં લવણપ્રસાદનો કંઠ રડવું ખાળવાને માટે હસતો હોય તેવો ઘોઘરો બન્યો.

“એ વાણિયાગત નહોતી, બાપુ, એ તો અરણરાજ વાઘેલાના પુત્રને અને પાટણના ભરતને શોભે તેવી સુજાણ રાજનીતિ હતી. એ રાજનીતિએ જ ત્રણેય ઝાલોદવાળા ચૌહાણોને ને ભીમસિંહને પાણી પાણી કર્યા.”

બુઢ્ઢો ગળાને સમારીને પાછો ગર્જવા માંડ્યોઃ “નહીં ત્યારે મેં તો એ ત્રણેયને કહાવી દીધું, કે નથી કચ્છીઓને કપાવવા, કે નથી ગુર્જરોને વઢાવવા. આ રહ્યો મારો દીકરો ! કૃપણતા કરી હતી તો એણે કરી હતી અને પાટણનું રાજતિલક કરવાનો પાપી ઈરાદો હોય તો તે અમારો બાપદીકરાનો હશે, ત્રીજાનો શો વાંક? ખેલી લો એની એકલાની સાથે દ્વંદ્ધ”

વસ્તુપાલને ધોળકે પડેલું વીરધવલનું જખમી શરીર યાદ આવ્યું. ભદ્રેશ્વરમાં એ શરીર ઉપર તલવારના ઘાની ઝડીઓ વરસી હતી ! એણે પૂછ્યું: “બાપુ, આપને દીકરાનીય દયા ન આવી? આટલા જખમો થયા ત્યાંસુધી આપ અટક્યા નહીં?”

“અટકું શેનો?” લવણપ્રસાદની આંખમાં આંસુ લટકી રહ્યું. ને એણે જાણે પંજામાં કાંઈ પકડતો હોય તેવી હાથની ચેષ્ટા કરતે કરતે કહ્યું “સામટા ત્રણ ઝારોળાઓના ઘા પડે, ને વીરધવલ ઘોડેથી નીચે પડે એટલે હું દોડીને વળી પાછો એને પડકારી ઊભો કરું. અને કોણ જાણે કેવાયે રામ એની ભુજાએ બેસી ગયા કે મારે પડકારે પડકારે એ ધૂળ ખંખેરીને જાણે રમતમાંથી ઊભો થતો હતો. અને ખોટું નહીં કહું હો ! વીરધવલનું શોણિતસ્નાન મારાથી જોવાયું નહીં ત્યારે મેંય થોડી