પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
292
ગુજરાતનો જય
 

જીત થઈ છે અને એટલા માટે જ આપણે સાદાઈ રાખવાની છે.” તેજપાલે ટાઢીબોળ વાણીમાં જ કહ્યું.

“તો પછી તમે બે જણા જઈ આવો.”

“એમ કાંઈ ચાલશે, બાપુ ?” વસ્તુપાલે સ્મિત કરીને કહ્યું, “નહીં આવો તો ઉપાડીને લઈ જશું.”

"ત્યારે આપણે જીત્યા શું ?” કહીને લવણપ્રસાદે ફરી મોં વીલું કર્યું, “તમારી વાણિયાગત...”

વાણિયાગત શબ્દ સાંભળી તેજપાલે અવાજ જરાક કરડો કર્યો: “જુઓ બાપુ, વાણિયાગતની વાત ખરી છે. દસ-બાર વરસમાં ગુજરાતનું શૂરાતન ઊભરાઈ નથી ગયું. વાણિયાગતે જ આટલા વિજયો અપાવ્યા છે અને એ વાણિયાગતને નહીં માનો તો આંહીંનું આ વિજયનાટક પણ ઘડી-બે ઘડીમાં ખલાસ થશે. યાદવ સૈન્યનો માળવા તરફ તગડેલો એક ભાગ પાછો આવે અથવા તો દેવગિરિથી નવી દક્ષિણી ફોજ આંહીં દેખાય પછી આ ગુર્જરો અને સોરઠિયાઓ આંહીં પોતાની ખાંભીઓ ખોડાવવા એક ઘડી, પણ ઊભા નહીં રહે. સામો માણસ અસંસ્કારી લૂંટારો છે. એને થોડી વાર મોટાઈ આપવી છે. આપણો હાથ સદાને માટે ઉપર રાખવો છે. એને આપણે કાંઈ દંડવો કરવો નથી. ફરી વાર ગુજરાતને સીમાડે છબે નહીં એટલું જ પાકું કરાવી લેવું છે, અને એ કરાવવામાં ક્ષત્રિયવટની નહીં પણ વાણિયાગતની જરૂર છે.”

લવણપ્રસાદ થોડી વાર વિમાસણમાં પડ્યા એટલે વસ્તુપાલે પોતાના ભાઈનો વિચાર-તાંતણો આગળ ચલાવ્યો: “હજુ તો બાપુ, આપણે મલોખાંની ગુજરાત ઊભી કરી છે. હજુ તો કારમો યવન-કાળ ગુજરાતનાં બારણાં ઠોકે છે. અમારી વાણિયાગત પાંચ-પચાસ વરસ આઘેરી નજર નાખે છે ખરીને, એટલે જ અમને એમ થાય છે કે આપના જ કોઈક ફરજંદને કદીક આબરૂ અને નેકટેક માટે, બેટી ને રાણીનાં શિયળ માટે, કદીક ક્યાંક શરણસ્થાનની જરૂર પડશે તે દિવસ માલવા કે મેવાડ કોઈ નહીં આશરો આપે. સોલંકીઓના આખા સમય પર આંખ ફેરવો, રાણા, ઉત્તરાપથમાં ગુર્જરીને ઊભવા આપે એવો છે કોઈ ? ભોળોભટ થઈને આશરો આપશે આ દક્ષિણનો યાદવ. માટે એને મોટપ દેવી છે, રાણાજી ! એને ઘેર કોઈક દિવસ પગ મૂકવાનો હક મેળવવો છે.”

“છેક એને ઘેર...!” લવણપ્રસાદે ટીખળ કર્યું.

“હા બાપ, હા કહું છું.” વસ્તુપાલે એમ કહેતે કહેતે દક્ષિણ દિશાની ક્ષિતિજ પર એક તીરછી નજર નાખી અને પછી ઉત્તરની ગિરિમાળ પર રેલાતા લાલ ધગધગતા અગ્નિ સરખા રવિપ્રકાશને ન્યાળી એનું કલેજું છૂપું કંપાયમાન બની