પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
300
ગુજરાતનો જય
 

અનુષ્ટુપ છંદના એ ઉત્તરાર્ધ ચરણને લલકારવામાં તલ્લીન બનેલી વસ્તુપાલની નવી પત્ની સોખુ હાથમાં એક પત્ર લઈને દાખલ થઈ. એનું મોં ભર્યું ભર્યું હતું. વર્ષમાં એકાદ વાર વનને શણગારતાં કેસૂડાં જાણે એ વદન પર વિસ્તરતાં હતાં.

"શું છે આજે ? આવડી બધી ઘેલછા શાની છે, હેં નવાં દેવી ?” સોમેશ્વરદેવના હાથમાં લેખણ થંભી રહી.

“આ લો, આ ગાથા પૂરો.” સોનુએ શરમાતાં સંકોડાતાં પત્ર આપ્યું.

"કોણે મોકલી છે ?”

“મારી મારફત તો બીજું કોણ મોકલે ? સ્તંભતીર્થ ઊતરીને તરત દૂત રવાના કર્યો છે ને મને કહાવ્યું છે કે તરતો તરત આપને ગાથા પૂરી કરીને તૈયાર રાખવા વિનવવું.”

"ઓહો ! તમારી મારફત ! ત્યારે તો જુઓને, તમે જ મારાં પ્રેરણાદાત્રી બની ગયાં. ઓહો ! મને સૂઝી પણ આવ્યું, જરીક જ ઊભાં રહેજો હો એમ કહી લેખણ કાન પરથી ઉપાડી તાલપત્ર પર સુંદર અક્ષરે, જરા પણ છેકભૂંસ વગર શબ્દો લખ્યા ને પછી વાંચ્યા –

येनागच्छन्ममाख्यातो येनानीतश्च मत्पतिः ।
प्रथमं सखि ! क पूज्यः काकः किंवा क्रमेलकः ।।
['સ્વામી આવે' કહ્યું જેણે, સ્વામીને લાવેલ જે; બેમાં પૂજું કિયો, બે'ની કાગડો કે કહેલિયો ?] (કેહેલિયો=ઊંટ)

એમ ગાતા ગાતા સોમેશ્વરદેવ સોખુના વદન પર કેસૂડાંની કળીઓ પાથરી રહ્યા. રેવતીનો ચહેરો પણ રાતોચોળ રંગાઈ ગયો. ગાથાને ગાતા સોમેશ્વરદેવના દેહ પરથી ઉત્તરીય સરી ગયું. એને રોમાંચ થયો.

“બધા સરખા જ મળ્યા છે !” કહેતી સ્મિતભરી સોખુ ચાલી ગઈ; અને આંહીં રેવતીના લજ્જાભારે નમેલા મોં ઉપર, લમણા પરથી ખસેલી એક બંકી કેશ-લટ ઝૂલવા લાગી.

“હવે ઊઠો ઊઠો, ગાંડાં કાઢતા !” રેવતીની બા હાથ લાંબો કરીને બોલ્યા: “પેલો બહાર બેઠો બેઠો બબડે છે કે ગુજરાતનો પંડિત બૈરીઓને રિઝાવે છે !”

તેટલામાં તો રાણાનું ફરી તેડું આવ્યું: “ઉતાવળે આવો, અને સાથે વીરનારાયણ મંદિરમાં આપણે પ્રતિષ્ઠા કરવાના પ્રશસ્તિ-શ્લોકો લેતા આવો.”

રેવતીએ પિતાને એક હસ્તપ્રતની પોથી આપી, તે લઈને સોમેશ્વરદેવ સિંઘણને જીતી આવતા મંત્રીની મોકલેલ ગાથા પર મુગ્ધ બનતા બનતા, મનમાં 'काकः