પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હરિહર પંડિત
301
 

किंवा क्रमेलक:' નું ગુંજન કરતા કશી જ અધીરાઈ વગર રાજસભામાં ચાલ્યા.

એ દિવસની સભામાં ઠઠ મળી હતી. ભદ્રેશ્વરના દ્વંદ્ધ-સંગ્રામના જખમોની એંધાણીએ શોભતા રાણા વીરધવલ સિંહાસને બેઠા હતા. એમની જમણી બાજુએ એક જાજરમાન અતિથિ કિનખાબની ગાદી પર આખી સભાને ડારતા બેઠા હતા. એમના મોં પર ધોળકાની આ સભા પ્રત્યે ઉઘાડો તુચ્છકાર હતો. એમના દેહ ઉપર ભારતભૂમિની સંખ્યાબંધ પંડિત-સભાઓને જીત્યાનાં વિજયચિહ્નો હતાં. એમની પછવાડે પાંચસોએક નવા ચહેરા હતા. વિજેતા પંડિતનું એ ભારતવર્ષમાં ઠેર ઠેર હાક બોલાવતું દળકટક હતું.

એ ગૌડ દેશના હર્ષવંશી હરિહર પંડિત હતા. ઊંટો, અશ્વો અને હાથીઓ લઈને એ ફરતા ફરતા ધોળકે આવ્યા હતા. એમનો દેખાવ કોઈ ખંડણી ઉઘરાવવા આવેલ રાજરાજેશ્વર જેવો હતો.

“તો પછી અમે જઈએ.” એ શબ્દો રાણા પ્રત્યે પંડિતજીએ કહ્યા તે જ વખતે સોમેશ્વરદેવે કિનખાબમાં લપેટેલી એ કાવ્યપોથી સહિત પ્રવેશ કર્યો. એમના હંમેશના સાદા સામાન્ય નમનને મગરૂબ અતિથિએ કેવળ સહેજ હાથ ઊંચો કરીને જ સ્વીકાર્યું.

હરિહર પંડિતના પાંચસો જેટલા સાથીઓની વચ્ચે જઈ પહોંચેલો પેલો એનો બટુ કંઈક કહેતો હતો, જે સાંભળીને આ મંડળમાં તોછડો ગણગણાટ ઊઠ્યો હતો: "ઘેર બૈરીઓને રીઝવતા હતા.”

રાણા વીરધવલ રણશૂર હતા, સંગ્રામમાં કદી સંકોડાયા નહોતા, પણ વિદ્વાનોની સભામાં તેમનું ચિત્ત વિકલ બનતું. ઉજ્જૈન, અવન્તી કે વારાણસીના વિદ્વાનો ધોળકે ઊતરતા ત્યારે પોતે અંદરથી ધ્રુજતા. રણધીર તરીકે તો તેની અપકીર્તિ કરી શકે તેવો કોઈ માઈનો પૂત રહ્યો નહોતો, પણ ધોળકાના નામ પર વિદ્વત્તાનું મીંડું મુકાય તે એને છાતી પરના જખમ જેવું લાગતું.

“સોમેશ્વરદેવ !" રાણાએ કહ્યું, “પંડિતજીને તો આંહીં સૂનું સૂનું લાગે છે.”

“સ્વાભાવિક છે, પ્રભુ !” સોમેશ્વરે ભોળા ભાવે જવાબ વાળ્યો, “મંત્રીજીની હાજરી હોત તો તો રંગ જામી જાત.”

"હે-હે- ” હરિહર પંડિત હસ્યા, “સાંભળ્યું છે કે બડા વિદ્વાન છે. રસિક છે ને કવિ છે. પણ નવાઈ છે કે હજુ પોતે ઉજ્જૈનમાં કે અમારા ગૌડ તરફ આવ્યા જ નથી. ગાથાયે મોકલી નથી.”

“એમને સ્પર્ધા પસંદ નથી.” સોમેશ્વરે કહ્યું.

“સ્પર્ધા તો પછી, પ્રથમ તો પરીક્ષા.” હરિહર પંડિતના મોં પર તુચ્છકાર દાબ્યો દબાતો નહોતો. તેનો પ્રત્યુત્તર આપ્યા વગર સોમેશ્વર ન રહી શક્યા :