પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
29
જૈસે કો તૈસા !

સાંજ પડી ગઈ હતી. ઘરમાં બેઠેલા સોમેશ્વરદેવના હાથમાં લેખણ અને પાનાં થંભ્યાં હતાં. બાજઠ પરના બળતા દીવા સામે એની આંખો ફાટી રહી હતી. લખેલાં સાહિત્યપાનાંને ચાટી જવા પોતાની શિખા-જીભ લાંબી કરતો દીવો પવનમાં માથું ઘુમાવતો હતો.

પાઠશાળામાં શિષ્યોનું વૃંદ ચૂપ બેઠું હતું. કોઈ કોઈને કશું પૂછી પણ શકતા નહોતા. બહારના લોકો આવતા હતા અને શું થયું, શી વાત હતી, સાચી બાબત શી છે, એવું એવું પૂછીને સોમેશ્વરના અંતરની આગમાં આશ્વાસનનું ઘી હોમતા હતા. દિમૂઢ ગુરુદેવ કોઈને કશો જવાબ દેતા ન હતા.

આશ્વાસકો વધી પડ્યા. રેવતી બહાર આવી. દ્વાર પર ઊભી રહીને એણે હિંમત રાખીને સૌને પાછા વાળ્યા. પાછી ન વાળી શકી એક પોતાની બાને.

“આ તે શું થવા બેઠું છે?” બોલતાં બોલતાં રેવતીની બા સોમેશ્વરદેવના સૂનમૂન દેહ પાસે આવી બેઠાં અને પતિના શરીર પર હાથ ફેરવતાં બોલ્યા: “અરે ૨ ! કાયા તો જો કાયા, પડછંદી જેવી કાયા એક દા'ડામાં તો કેવી સુકાઈને ચામડું થઈ ગઈ !”

સોમેશ્વરદેવની જીભ ચૂપ હતી. એનું મન જાણે મૂર્છામાં પડી ગયું હતું.

“હેં – પણ તમે મને કહો તો ખરા, કોઈને નહીં કહું – હું મરું, મને એકલીને તો કહો સાચી વાત, ઈવડા ઈ શ્લોકો તમારા નથી?”

સ્વામી એવો પ્રશ્ન સાંભળીને સળગતો હતો. એની જીભ પર જવાબ ન હતો.

"ના, ના, પણ હું – સાચું જે હોય તે કહી દેવામાં આપણું શું જાય છે? સાચું નહીં કહો તો રાજની ચાકરી જશે, રાજનો આશરો જશે. એમ થશે તો આપણે કરશું શું? તમે તે ઉડાઉ ઓછા હતા ! અક્કેક શ્લોકના લાખ લાખ દ્રમ્મની બક્ષિસો મળી તેય વગરવિચારી બસ લૂંટાવી દીધી, જે આવ્યો તેને દઈ જ દીધી, પણ હવે આ રેવતી મોટી થઈ તેના વીવાનું શું કરશું? આપણે બે જણ નભશું શી રીતે? રેવતીનો વીવા...”