પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
306
ગુજરાતનો જય
 


પત્નીના બોલ સોમેશ્વરને દઝાડતા હતા. પોતાના વિદ્યા જીવનનો એકનો એક ગર્વ – પોતાને મળેલાં પારિતોષિકોની શિષ્યોમાં મોકળે હાથે વહેંચણી – એને પણ નાદાન પત્ની અપમાનિત કરી રહી હતી. પોતાની દરિદ્રતાનું ગૌરવ ટુકડા થતું હતું.

પણ એથી વધુ અપમાન તો પુત્રીનું થતું હતું. સરસ્વતીમંદિરના બાજુના જ ખંડમાં રેવતી હતી. એ પિતાના આ એકસો આઠ શ્લોકોની રચનાની મૂળ કાચી, પ્રતનાં વેરણછેરણ પાનાં ગોતી એકઠાં કરી રહી હતી. એને કાને બાના નાદાન બોલ અથડાયા. પિતાના શરીર પર ઊતરેલી કન્યા ઊંચી, પાતળી અને ગૌર ગૌર શરીરવાળી હતી. એનું મોં તપી ગયું. એ કોને કહે કે મારા વિવાહની વાત બંધ કરો ! બા તો લપ્પી હતાં. દર્પભરી રેવતી હોઠ કરડી રહી.

કોઈકની છાયા પડી, કોઈકે એ ખંડમાં હળવે પગલે પ્રવેશ કર્યો અને રેવતીના કામમાં વિક્ષેપ નાખ્યા વગર એ ઊભો ઊભો રેવતીનાં બંને પડખાંના મરોડને, પાલવના ઢળાવને, કાન પર ઝૂલતી લટોને, સ્વપ્નભરી આંખે જોતો હતો.

એ શિલ્પી શોભનદેવ હતો. સંઘની સાથે પોતે ધોળકા પાછો વળ્યો હતો. અનુપમાદેવીની સાથે એને ચંદ્રાવતી જવાનું હતું. સંઘમાં માશી સાથે ગયેલી રેવતી શોભનદેવની શિલ્પકલાના ચાળા પાડતી અને ચીડવતી. શોભનદેવને એમાં સુખ મળતું. કારણ કે વખાણનારા સૌ મળતા, બેકદર બેવકૂફો પણ ઘણા હતા, વણસમજ્યે માત્ર 'સુંદર છે' કહીને પોતાની સૌંદર્યપારખુ શક્તિનું પ્રદર્શન કરનારા પણ કંઈક વેપારીઓનો શોભનદેવને સંઘમાં ભેટો થયો હતો; પણ પોતાની પ્રતિમાઓના દેહમરોડોના ચાંડિયા પાડી નારી-દેહનું વિરલ દાક્ષિણ્ય દાખવનારી રેવતીની વિનોદભરી કળાસમજ પર શોભનદેવ મુગ્ધ હતો. કેટલીય સંધ્યાએ એણે રેવતીને શત્રુંજયગિરનારના શિખરો પર અને પ્રભાસને સિંધુતીરે બંકી છટા સાથે ઊભેલી જોઈ જોઈ, આબુ પર નવા બાંધવાના મંદિરની માનવપૂતળીઓની કલ્પના તૈયાર કરી હતી.

"પિતાજી પાસે જઈ બેસશો?” રેવતીએ પહેલી જ વાર શોભનદેવને કરગરતે સ્વરે કહ્યું. અપમાનિત ભવ્યતાની હૃદય-જ્યોત જેવી રેવતી શોભનદેવને અપૂર્વ લાગી.

એ જઈને સોમેશ્વરદેવના ખંડની બહાર ઉંબર પાસે અબોલ બેઠો. એ એક જ આશ્વાસક શબ્દહીન હતો. સોમેશ્વરદેવે પત્નીના ચાલ્યા ગયા પછી એને પાસે બોલાવ્યો: “શિલ્પી ! આવો અંદર.” શોભનદેવ અંદર જઈને ઊભો રહ્યો.

"રેવતી, બેટા," સોમેશ્વરદેવે સાદ પાડ્યો: “આબુના ચૈત્યમાં કોતરવાની, ડભોઈના દુર્ગ-દ્વાર પર મૂકવાની, મેં રચેલી જે કોઈ પ્રશસ્તિઓ હોય તે બધી જ