પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
308
ગુજરાતનો જય
 


"છે તો શબ્દેશબ્દ તારી જ કૃતિને? ચોરી હોય તો કહી દેજે, તો એનોય રસ્તો કાઢતાં મને આવડે છે.”

“સિદ્ધેશ્વરની આણ, મેં ઉજ્જૈન જોયું પણ નથી.”

"ત્યારે તો એણે ટોડો જ ફેંક્યો છે એ નક્કી કે ?"

“સંપૂર્ણ સત્ય.”

“ઊઠ ત્યારે, જઈને ઊંઘી જા નિરાંતે. જો પેલી ગોરાણી પડી પડી લોચતી હશે. ક્યાં ગયાં ભાભી? પડ્યાં છો શું? આ રઢિયાળાને લલાટે ચંદન પૂરો, પગે ઘી ઘસો, માથે તેલનું મર્દન કરો, એ રોતલની ભેગાં રોવા શું બેઠાં છો? પ્રભાત તો પડવા દો.”

પ્રભાત પડ્યું ત્યારથી સાંજ સુધીમાં મંત્રીએ હરિહર પંડિતની સામે સરભરાનાં પુષ્પો પાથરી દીધાં. પારિતોષિકોના ઢગેઢગ હરિહર પંડિતના ખોળામાં ખડક્યા, અને એકાંતે જઈ વાત કરી: “આપ ખરું કહો છો, ધોળકા તેર વર્ષનું ટીપડું છે. અને તેમાં પાછા અમને સોમેશ્વર જેવા જરા બોદા માણસ મળી ગયા છે.”

“માણસોનો ક્યાં તોટો છે, મંત્રીજી !” હરિહર પંડિતે સોમેશ્વરદેવની તોછડાઈ પર પૂરી દાઝ ઉતારી.

"હું તો આપના કોઈ પ્રતિનિધિને આંહીં ખાતે મેળવવાની કૃપા યાચું છું.”

“એ પણ થઈ રહેશે.”

“હાલ તો તુરત આપ અહીં ઠેરો.”

“મારે સોમનાથ સુધી જઈ આવવું છે.”

"શંભુની કૃપાથી આપની એ યાત્રાનો ભાર રાજ્ય જ ઉપાડશે. પણ કોઈરીતે પાછા પધારીને અહીંના સંસ્કાર સુધારી આપો. અમે તો ઠગાઈ રહ્યા છીએ. હમણાં કોઈ નવી રચના કરી છે આપે?”

“હા, નૈષધકાવ્ય કર્યું છે.”

“તે તો શ્રીહર્ષનું છે ને?”

"તે તો છે, પણ આ તો મારું નવું સ્વતંત્ર છે.”

"ત્યારે તો શ્રીહર્ષનાને ટક્કર મારે તેવું હશે. કંઈક સંભળાવવા કૃપા કરશો?”

હરિહર પંડિતે થોડા શ્લોકો સંભળાવ્યા. ઊઠતાં ઊઠતાં મંત્રીએ કહ્યું: “આજે તો ઊંઘ નહીં આવે.”

“કેમ?"

“આ કાવ્ય પૂરું જોઈ ગયા વગર.”

"તો સાથે લઈ જાઓ.”