પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જૈસે કો તૈસા !
309
 


“તો કૃપા ! સવારે પાછું કરીશ.”

“કાંઈ હરકત નહીં.”

એ આખી રાત પાંચેક લહિયાઓ અને મંત્રી પોતે ઊંઘ્યા નહોતા. દીવીઓ ઓલવાઈ નહોતી. પ્રભાત થયું ત્યાં તો એ કાવ્યની નવી એક નકલ તૈયાર થઈ ગઈ. મંત્રીએ સૂચના આપીઃ “દો હવે એ પત્તાંને ધુમાડો. પછી રગદોળો ધૂળમાં, ને પછી બાંધી વાળો મેલા કોઈક કિનખાબમાં.”

એવી રીતે તૈયાર થયેલી એ નૈષધકાવ્યની નકલ તુરત મંત્રીના ખંભાતના ગ્રંથભંડારમાં મુકાવાને માટે ચાલી ગઈ.

પ્રભાતે મૂળ નૈષધકાવ્ય પાછું હરિહર પંડિતને સોંપતાં વસ્તુપાલે કહ્યું: “આ કાવ્ય આપે કોઈ સભામાં સંભળાવ્યું છે?”

“ક્યાંય નહીં.”

“તો ધોળકાને જ એ ગૌરવ લેવા દેશો?”

“જેવી ધોળકાની શક્તિ !” પંડિતનું લાલચુ મન ડોકિયાં કરી રહ્યું.

“આપને અસંતોષ નહીં રહેવા દઉં.”

પ્રભાતની રાજસભામાં એ કાવ્ય વંચાયું. અને પછી મંત્રીએ સભાજનોને સંભળાવ્યું: “આવી કૃતિઓ જ પ્રજાના સંસ્કારને ઘડે છે. આપણે કૂવાના દેડકાં જેવા છીએ. શક્તિ નહીં એટલે ચોરીઓ કરી કરી શોભીએ છીએ.”

હરિહરના પાંચસો ચેલાઓએ ગર્વની ઘોષણા કરી અને રાણા પાસેથી વસ્તુપાલે પંડિતને મોટું પારિતોષિક અપાવ્યું.

બે દિવસ જવા દઈને મંત્રી હરિહર પંડિતને ખંભાત લઈ ગયા. આંખોને આંજી નાખે તેવા સત્કારનો સમારંભ કરાવ્યો. પોતાના પુસ્તકભંડારમાં લીધા ને પછી કહ્યું: “આપના નૈષધકાવ્યના શ્લોકો કેમ જાણે મેં પૂર્વે ક્યાંઈક વાંચ્યા હોય તેવા કંઈક ભણકારા વાગ્યા કરે છે.”

"સારું જોઈને તો એવા ભણકારા વાગે જ ને, મહારાજ ! એ તો આપણી પ્રગતિ કરવાની નિશાની છે.”

"હા, એ ખરું. જુઓને, અમારો સોમેશ્વર આમ તો બાપડો ચોખ્ખો છે, પણ હવે પેલા શ્લોકો ક્યાંક વાંચેલા તે પોતાના જ છે એવી ભ્રમણા એને રહી ગઈ છે.”

“એક રીતે તો એ ભ્રમણા પણ પ્રગતિશીલતા જ છેના !”

પુસ્તક ભંડારમાં ફરતાંફરતાં અને બરાબર એ જ ઠેકાણે આવ્યા કે જ્યાં નૈષધકાવ્યની નવી પ્રત પરમ પ્રાચીન બનીને મુકાઈ હતી.