પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જૈસે કો તૈસા !
313
 

મુદતને માટે એ જાય છે. પાછી એ અહીં કોણ જાણે ક્યારે વળશે. પછી મને તો કોઈ ઠપકો દેનારુંય નહીં રહે ! એ હતી – એની બીક લાગતી – તો ઠીક હતું. એના જવાથી હું ઉઘાડો પડી જઈશ.”

એ વિષાદની લાગણીમાં ડૂબતા બચવા માટે વસ્તુપાલ જલદી ઊઠી ગયા અને અનુપમાની હાજરી વગરના ધોળકાની ભાવી શૂન્યતાને કલ્પી અંદરથી અકળાતા એ રાત્રિએ, અપાસરે પોતાના મુનિમહારાજના દર્શને ગયા. અંદર એકલા એ વૃદ્ધ ગુરુ બેઠા હતા. શિષ્યો પૈકીનો એકેય ત્યાં હાજર નહોતો.

'રાતને વખતે અપાસરો છોડીને આ બધા ક્યાં સટકાવી જતા હશે !' ઉપરાઉપરી ત્રણ રાત્રિઓથી પોતે આ કૌતુક આંહીં દેખતા હતા તેનો તેને વિચાર થઈ આવ્યો.

દીક્ષાધારીઓની ચિંતા મંત્રીને સતત મૂંઝવતી. એક તરફ એને સર્વ પંથો પ્રત્યે સમદ્રષ્ટિ સાચવવી હતી ને બીજી તરફ આ જૈન સાધુઓનું જીવન-કોકડું ભારી જટિલ હતું. તેમની ત્યાગી દશામાં જ તેમને હડસેલી દેતાં આખા પંથમાં વૈરાગ્યની નીરસતા વ્યાપતી હતી, અને એ નીરસતામાં રસિકતાને મૂકવા જતાં આચારમાં શિથિલતા આવી જતી હતી. બન્નેમાંથી કઈ રીતે બચાવી લેવાય? આ વિષમ વૈરાગ્યબંધને જકડાઈને પૌષધશાળાઓમાં જ પડી રહેતા સાધુઓમાં સાર્વજનિક જીવન-રસ શી રીતે પેદા કરી શકાય?

એ કરવાને માટે પોતે પોતાની વિદ્યાસભાને બ્રાહ્મણ અને શ્રાવક સર્વનું મિલનસ્થાન બનાવી હતી. એ સભામાં સંસારીઓ તેમ જ ત્યાગીઓ સાથે મળી પ્રશસ્તિઓ રચતા, ગાથાઓની હરીફાઈ માંડતા, રસિકતાને મોકળી મૂકતા, મહત્ત્વાકાંક્ષાઓને પણ સંતોષવાની સીડી મેળવતા.

આમ છતાં આ યુવાન સાધુઓ ત્રણ-ત્રણ રાતથી ક્યાં જઈ છુપાય છે? ને શું કરે છે?

રાજ્યના શાસનપતિ તરીકે એ પોતાને ધર્માચારનો પણ ચોકીદાર સમજતા હતા. એણે આવી શિથિલતા સહી ન લીધી.

વૃદ્ધ ગુરુની પાસેથી એણે વિનયપૂર્વક સત્ય જાણવા માંગ્યું.

તેમણે શરમાઈ જઈને કહ્યું: “આજકાલ નગરમાં એક વિદ્વાન ચાચરિયાક (માણભટ્ટ) આવ્યા છે. એની વાણી સાંભળવાને માટે રોજ સૂરિઓ વેશપલટો કરીને જાય છે.”

સાંભળીને પહેલાં તો એને ગુસ્સો આવ્યો, પછી અનુકંપા આવી. નગરના ચોકમાં કથા માંડી બેઠેલા ચાચરિયાકની શ્રોતામંડળીમાં જઈને સાધુઓને ગુપ્તવેશે