પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

30
નવી ખુમારી

નુપમાએ ધોળકામાંથી વિદાય લેતા પહેલાં જેતલબાને મળી લીધું.

“કેવી સુખી છે તું !" જેતલબાએ આ વિદાયની વેદનાને દબાવતાં દબાવતાં કહ્યું: “દીકરો જુવાન, પોતે સાધુડી; ધણીને નવી એક ઢગલી ભળાવીને મોકળી થઈ ગઈ.”

“આપ પણ થાવને મોકળાં !"

“પૂછવા તો જા તારા રાણાને ! એને તો નીવડેલ કામ છોડવું જ નથી. ફરી પરણવાનો વિનોદ પણ ખમી શકતા નથીને !”

“તમે પણ ઠીક રાણાજીને વાતોનાં વાળુ કરાવીને કબજે રાખો છો, બા ! કહોને કે, પોતાને જ છૂટવાનું મન નથી.”

“ના રે, બાઈ ! મારે તો આ હજી નાનો છે,” એમ કહીને પાસે બેઠેલા નાના કુમાર વીસળદેવને માથે હાથ મૂક્યો.

એ વખતે જ અનુપમાને વીરમદેવ યાદ આવ્યા. આ વખતે તો પોતે પાટણ જઈને એને મળવાની જ હતી; મનાવી, ઠેકાણે લાવી પાછા ધોળકા ભેગા કરવાની જ હતી.

પણ એનું નામ લેતા પહેલાં અનુપમાએ જેતલબાનું મોં જોયું. એ મોં પર 'આ મારે નાનો છે' એમ બોલતી વખતે જ ઝાંખપ આવી ગઈ હતી. અનુપમા જનની હોવાથી જનેતાનું હૃદય જોઈ શકી. એણે કહ્યું: “બા, પાટણમાં વીરમદેવજીને કંઈ કહેવરાવો તો ખરું?"

“હા, કહેજે કે માને પેટ પાણો કાં ન પડ્યો!”

"રહો રહો હવે, બા !” અનુપમાએ જેતલદેવીનાં નેત્રો પ્રથમ લાલઘૂમ અને પછી અશ્રુભીનાં બનેલાં જોઈને કહ્યું.

“રહે તે કયા સુખે ! કઈ ઠારકે ! તારા વરને અને જેઠને કારભારું ભળાવ્યું – ભળાવ્યું શું, ગળામાં પરાણે પહેરાવ્યું – તે દિવસને હું ભૂલી નથી ગઈ. આ જ અમારા પેટનું પાપ પાડ્યું. તેણે જ એ બેય ભાઈઓનાં ભાણામાં ઝેર ભભરાવ્યું