પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિધવા રત્નકુક્ષી
19
 

બાપુ! મારા પેટમાં કો'ક કો'ક વાર થતું, કે આભૂશેઠને આ જમાઈ જડ્યો હોત ! આ જોડ્ય કેવી મળી જાય છે ! આ બાઈનાં તે શાં પાપ કે જનમભરનો રંડાપો વેઠશે? એવું એવું મને વધુ તો એમ લાગવા માંડ્યું કે જેમ જેમ આ બાઈ ધરમમાં ઢળતી જાય છે ને વ્રત-ઉપવાસો કરે છે, તેમ તેમ એની તો જુવાની વધુ ખીલતી જાય છે. આટલા બધા તાપની એક દાઝ પણ એના મોં ઉપર પડતી નથી !”

“પણ આસરાજ ઉપર કુંઅરબાઈને કાંઈ મોહ ખરો કે, જેહુલ?”

"મોહ તો ખરો જ, બાપુ ! નહોતાં કદી એકબીજાં ઊંચે સાદે બોલ્યાં, નહોતાં કદી એકાંતે ઊભેલાં, નહોતી કોઈ દન એકબીજાં સામે આંખો ફાટી રહેલી, તોપણ ગુપતગંગા બેય વચ્ચે વહેતી'તી એની ના નહીં પડાય, બાપુ!”

રાણા લવણપ્રસાદને હૈયે છૂપો નિઃશ્વાસ પડતો હતો. પોતાનું પ્રેમજગત સળગેલું હતું. સો સો સુંદરીઓ એના સ્નેહને આકર્ષવા ઉત્સુક હતી, પણ એ તપસ્વીએ ગુજરાતના પુનરુદ્ધાર ખાતર પ્રેમ-જીવનની વાટ બંધ કરી દીધી હતી.

જેહુલે વાત આગળ ચલાવી: “પછી બાપુ, એક દા'ડો માલાસણમાં શ્રાવકોના મોટા મહારાજ હરિભદરસૂરિનો પડાવ પડ્યો. બહુ પ્રતાપી પુરુષ. પે'લી જ વાર માલાસણ પધાર્યા. પહેલા જ દિવસનું વખાણ (વ્યાખ્યાન) બેઠું. આ એ વખાણમાંથી આસરાજ બહાર આવ્યા, તે જુઓ તો આગળનો આસરાજ જ નહીં ! એની આંખોનો રંગ જ બદલી ગયો મેં દીઠો. એ શાંતિવાળો છાંટો જ ન મળે. આંખોમાં કાંઈક જાણે ઘૂંટાતું હતું, મોં પણ આકુળવ્યાકુળ થઈ ગયું. કુંઅરબાઈની સામે જોતાં પણ, અચકાતો હતો એ જુવાન ટાંપી રહેવા લાગ્યો. ફરી ફરી મહારાજ હરિભદરસૂરિ પાસે જવા લાગ્યો. કોઈ ન હોય ત્યારે જઈ આવે, અને પછી ચકળવકળ નજરે જોતો. કોઈ કામમાં પણ જીવ ન પરોવી શકે. મને પણ 'જેહુલભાઈ! જેહુલભાઈ!' એમ કહીને બોલાવે, પણ “શું છે ભાઈ?” એમ પૂછું તો કહે કે 'કાંઈ નથી'.

“ત્રીજે દહાડે મને કુંઅરબાઈએ હું સાંઢ્ય પાસે વાડામાં હતો ત્યાં આવીને પૂછયું, 'હેં જેહુલ! આસરાજ કેમ આમ કરે છે? કેમ ખાતા નથી? પૂછીએ તેનો જવાબ સીધો કેમ દેતા નથી? એને કાંઈ થયું છે? જેહુલ, એને તું કોઈ વાતે દુઃખી ન થવા દેતો.”

મને બાઈના આ બોલથી હિંમત આવી, મેં આસરાજને હાથ પકડી પૂછ્યું, “શું છે?"

“એણે મને આંખો ઘુમાવીને પૂછ્યું, જેહુલભાઈ, હિંમત છે?' પૂછ્યું, 'શાની હિંમત?' એ કહે કે કુંઅરબાઈનાં હેરણાં હેરવાની. હું તો આભો જ બની ગયો. એણે કહ્યું કે બોલો જેહુલ, મારે એને લઈ જવી એમાં મીનમેખ થાય તેમ નથી.