પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
318
ગુજરાતનો જય
 

હોય તેવી અદ્દભુત વસ્તુ બની હતી. બે બે કોસને અંતરે કોઈ નવા સીમાડા કે નવી શાસનવ્યવસ્થા આવતી બંધ પડી હતી એ કંઈ જેવાતેવા આશ્ચર્યની વાત હતી ! સેંકડો યોજન જઈએ ને ન કોઈ રોકેટોકે, કોઈ ફરી ફરી દાણ કે જકાત ન લે, કોઈ પોટલાં ન વીંખાવે કે કોઈ હૂડ હૂડે ન કરે, એ અનુભવ નવી પેઢીને અદ્ભુત ચેતનકારી લાગ્યો. ઠેર ઠેર ગુર્જર અશ્વારોહીઓ ને પદાતિઓ એક જ ગણવેશમાં મળતા હોય, પાંચસો ગાઉને અંતરે પણ એક જ પ્રકારની નોબતો ગુંજતી હોય ને નેકી પોકારાતી હોય, ઘોડા ખેલતા હોય ને ગજરાજો ડોલતા હોય, શંખો ફુકાતા હોય ને નિશાનો ઘોરતાં હોય, તેનું નામ એકચક્રી શાસનઃ તે શાસનની ગુજરાતમાં કેટલે વર્ષે પુન:પ્રતિષ્ઠા ! ચંદ્રાવતીથી પાટણ આવતાં જેમણે જુદાપણાનાં જ પ્રત્યેક ચિહ્ન જોયાં હતાં અને મહીતટે ગોધ્રકમાં કે લાટમાં તો જવાનું જેમણે સ્વપ્ન પણ સેવ્યું નહોતું તેવા ચંદ્રાવતીનાં બાળકોએ આજે યૌવનમાં પ્રવેશ કરતાં તો નવું નવું - ચોમેર નવું નવું ને નેત્રો ઠારતું એકરાષ્ટ્રત્વ નિહાળ્યું. ચંદ્રાવતીના તરુણો છેક ભદ્રેશ્વર ગોધ્રકમાં નોકરીની નિમણૂકો પામવા લાગ્યા. ચંદ્રાવતીના નવયુવકોએ ખંભાતને બારે જઈ પેઢીઓ ખોલી અને વામનસ્થલી સુધી વણરૂંધી વણજારો ચલાવી.

ચંદ્રાવતીને ઘેર ઘેર જેમ આરસ હતો, તેમ ઘેર ઘેર હણહણતા ઘોડલા બંધાયા હતા. ફુમકિયાળા સાજે સજાતા એ અશ્વો પર રાંગ વાળતા ચંદ્રાવતીના યુવકોને ઘોડે ચડવા માટે ચોતરા કે ટેકાની જરૂર રહી નહોતી. કેશવાળી ઝાલીને કાયાને ઉછાળો લેવરાવતા ઝબ દેતા ઘોડલાંની પીઠ પર પલાણી બેસતા. ચંદ્રાવતીની પનિહારીઓ પોતપોતાના મનગમતા વરને કે પરણેલા કંથને અશ્વ પર ચડી ધનુર્વિદ્યા સાધતો નિહાળવાનું મળે તો સવારથી સાંજ સુધી બેડાં ખેંચવાનું પસંદ કરતી. ચંદ્રાવતીનો શરાફ પાલિતાણે હૂંડી લખતો તેમાં 'જય ગુજરાત' લખી સહી કરતો. એકચક્રી શાસનથી સાંપડેલી આ એકતા કોઈએ પ્રબોધી કે પડો વજડાવી સંભળાવી નહોતી, ભિન્નતા સાથે સરખાવી દેખાડી નહોતી, કોઈએ ક્યાંય લખી કે વાંચી નહોતી. એ તો સર્વેએ વાયુમંડલમાંથી પીધી હતી, મૌનને મનોમંદિરે આરાધી હતી, નયનોની ચકચૂર ખુમારીથી વ્યક્ત કરી હતી.

આવી ચંદ્રાવતીમાં પ્રવેશતાં જ અનુપમાને હવા બદલી ગઈ લાગી.

એવી નગરીમાં અનુપમાનો વસવાટ નાનામોટા સર્વના માનવમધપૂડા સરીખો બની ગયો. અનુપમા આબુ પર ગઈ, ધારાવર્ષદેવને પ્રણમી. ચંદ્રાવતીની મૂંગી પ્રેરણામૂર્તિને પાછી આવેલી નિહાળી બુઢ્ઢા ક્ષત્રિયની દાઢીના રૂપેરી કાતરા ગર્વે ને ગૌરવે ફરફરી ઊઠ્યા.