પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવી ખુમારી
319
 


“જય ગુજરાત, બાપુ!” અનુપમાએ નવો નમસ્કાર વાપર્યો.

“જય ગુજરાત, બેટા ! જય શંભુ ! જય અંબા ! ભલે આવી, મારે તારી જરૂર હતી.” પરમારદેવે આદર આપ્યો.

અનુપમાની આંખો સોમ પરમારને શોધતી હતી. સોમ ક્યાંય દેખાતો નહોતો. અનુપમા આવે ને સોમ સામો ન દોડ્યો જાય એ વાત વિસ્મયકારી હતી. એણે ધારાવર્ષદેવને પૂછ્યું. વૃદ્ધ ઘડીક ખચકાઈને પછી નેત્રો નીચે ઢાળીને કહ્યું: “સોમ તો મોં સંતાડવા જેવું કરી બેઠો છે, બેટા ! અને અમારી તો સર્વની સ્થિતિને એણે સાંપટમાં મૂકી છે. અમે મહિનાઓથી વિમાસીને બેઠા છીએ.”,

“એવું શું છે?” અનુપમા કશી જ કલ્પના ચલાવી ન શકી.

“તારા સંઘમાંથી વળતાં સોમ એક પરાક્રમ કરી આવ્યો હતો. એક સ્ત્રીને સાંઢણી પર લાવ્યો હતો. એટલું જ હોત તો તો ઠીક હતું, પણ બડો નાદાન બની ગયો હતો.”

"સ્ત્રીને ! અમારા સંઘમાંથી!” અનુપમાના કાન ચમક્યા.

“હા, અને એ પણ પુરુષવેશે ! સોમની યુવાન આંખોમાં એણે અભૂતતાનું અંજન આંજયું હતું, અને પોતે તારા જેઠે અપહરેલી દુખિયારી ક્ષત્રિય કન્યા છે એવું ભંભેરીને એ સ્ત્રીએ સોમને પોતાના પર જીવન ન્યોછાવર થવા ભોળવ્યો હતો. છોકરો બાપડો જૂના જુગની વીરકથાઓની દુનિયાને સાચી માની લઈ પોતે પણ કોઈ સંતાપિત સુંદરીનો તારણહાર બની ગયો હોય એવા તોરમાં ચડી ગયો.”

"પછી?” અનુપમાં હેબત પામતી પામતી કથાના અંત પર આવવા ઉત્સુક હતી. એના મનમાં સોમનો પ્રશ્ન નહોતો, વીરમદેવનો પ્રશ્ન હતો.

“પછી તો –” પરમારદેવ યૌવનની ઘેલછા પર દયામિશ્રિત સ્મિત વેરતા આગળ વધ્યાઃ “સોમે આ નિરાધાર માનેલી સ્વપ્નસુંદરીને અમારાથી સૌથી છૂપો ગઢમાં પ્રવેશ કરાવ્યો, મલાજામાં ગુપ્તપણે રાખી, એની માને જઈ એની ઘેલી વાતો કરી, અને મારા સુધી સમાચાર પહોંચાડ્યા. મેં સોમનું સ્વપ્ન ભાંગી નાખવાની ઉતાવળ ન કરી છતાં હું સમજતો હતો કે આ જિંદગી અને પેલી અલૌકિક રૂપકથાઓની સૃષ્ટિ, એ બેઉ વચ્ચે કશો જ મેળ કે સંબંધ નથી હોતો. મેં કહાવ્યું કે સુખેથી સોમ લગ્ન કરે, પણ છ મહિના એ કન્યાને આંહીં રાખીને જોઈ લે કે એનું અંતર આંહીં પહાડોમાં આપણાં કઠોર લૂખા ક્ષત્રીજીવનમાં ઠરે છે ખરું?

"પછી એક દિવસ સોમનો પિત્તો બદલી ગયો. આખા દુર્ગ પર સોમે દોટાદોટ કરીને ચોકીઓ ગોઠવી. અને મારી પાસે આવી ધ્રુસકે રોતો પોકારી ઊઠ્યો કે ‘કાવતરું છે, કાવતરું છે, સાવધાન થજો, બાપ !” શું હતું તેની ખબર મને તો પછી