પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હમ્મીરમદમર્દન
323
 

છે, અને એ જાદવને તો એક રૂપાળી ગુજરાતણની પણ ભેટ કરી છે, ઉપરાંત રાણાનો ટિલાત બેટો વીરમદેવ વિગ્રહખોર મનસૂબા ઘડતો ઘડતો એને સાસરે જાબાલિપુર જઈ બેઠો છે.

સિંઘણદેવને સુંદર ગુજરાતણ સાંપડી એ સમાચારે વિશેષ કરીને મીરશિકારની દાઢ સળકાવી મૂકી હતી. વાણિયા મંત્રીઓ જોટે પરણ્યા ! ગુજરાત તો ગોરી હિંદુ સુંદરીઓનો શાદીનો બગીચો લાગે છે ! મીરશિકાર તલપાપડ બન્યો. પહોંચીને પુષ્પો ચૂંટવાની જ વાર હતી. મ્લેચ્છ સૈનિકો ગુર્જરી સુંદરીઓના બાહુપાશમાં લપેટાવા માટે મરણને પણ પ્યારું કરી સજ્જ થઈ ગયા.

અનર્ગળ યવનસેના આવી રહી હતી, નજીક ને નજીક – વધુ વધુ નજીકઃ એક રાજ્યને પાર કર્યું, બીજા રાજ્યે રસ્તો દઈ દીધો, ત્રીજાએ યવન ફોજને સરભરા પૂરી. કોઈ કરતાં કોઈએ એને પોતાની ભૂમિ પર પગ મૂકવાની ના ન કહી, સૌએ પોતાને શિરેથી ઊતરતી બલાને ગુર્જરરાષ્ટ્ર પર ઓળઘોળ કરી. ભલે ત્રાટકે પાટણ પર, ભલે ભાંગે ધોળકું. જૂનાં વેર વીસરી શક્યા નહીં.

આવે છે, યવનો આવે છે...

પાટણમાં ખેપિયા પર ખેપિયા ચાલ્યા આવતા હતા.

“કચ્છ-ભદ્રેસરના મંડળેશ્વર ભીમસિંહ ચાલ્યા આવે છે.”

“માથે છત્ર ને ચામર ધારણ કર્યા છે ને મારા દીકરાએ?” લવણપ્રસાદે મોં મલકાવીને ખેપિયાને પૂછ્યું.

“ના, બાપુ. પોતાના મંડળનાં રાજચિહનો ઉપરાંત કશું નથી.”

“એ પણ નવી નવાઈ. જંગલ-પાણી પણ વિના છત્રચામરે નહોતો જતો”

“આત્મસમર્પણનો પણ ચેપ લાગે છે, બાપુ” વસ્તુપાલે એમ કહીને મોટા રાણાની નિછાવરીને વખાણી.

ભીમસિંહ મંડલેશ્વર આવી પહોંચ્યા અને છત્રચામર એણે ગુર્જર સિંહાસનને પગથિયે મૂકી દીધાં.

"ધન્ય છે, દીકરા" લવણપ્રસાદે એને બાથમાં લીધો, "પણ તારે તો ઝટ પાછા પહોંચવાનું છે. કચ્છની ઉગમણી દિશાએ જ ઊભવાનું છે.”

“હું તો પાછો જવા માટે જ આવ્યો છું. પણ આવવાનું કારણ અગત્યનું છે.”

"કહો."

“પેલા ત્રણ ચૌહાણ ભાઈઓની માગણી છે કે એમને રાણાની રક્ષા માટે અહીં આવવા દેવા.”

એ ત્રણેયને યાદ કરતાં તો રાણા વીરધવલનાં રૂંવાડાં ચિત્કારી ઊઠ્યાં.