પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
324
ગુજરાતનો જય
 

ભદ્રેસરના દ્વંદ્વમાં એણે રાણાની છાલ કંઈ ઓછી ફાડી હતી ! કેટલા અભિમાની ને ઘમંડી ! રાણાએ પિતાને કહ્યું: “આપણે અહીં શું કામ છે, બાપુ?”

ભીમસિંહે બીજા સમાચાર સુણાવ્યા: “એ ત્રણેએ તો નડૂલના આખા ચૌહાણ કુલને કહેવરાવી દીધું છે. ચૌહાણો ચાલ્યા જ આવતા હશે.”

"દીકરા,” મોટા રાણાએ વીરધવલને કહ્યું, “આ ટાણે કોઈ કરતાં કોઈને ના કહીશ નહીં, જાકારો દઈશ નહીં.”

“પણ કાલે પાછાં આપણે નડૂલને, મારવાડનેને મેવાડને કાન ઝાલી મંડલેશ્વરો કરવા પડશે ત્યારે આ ઉપકાર આડો આવશે.”

"નહીં ભાઈ, નહીં. હવે ઝાઝા મંડલેશ્વરોને ભેગા કરવા નથી. ગુજરાતને આપણી બથમાં આવે તેટલી જ રાખવી છે. બાકીના તમામ સમોવડ મિત્રો જ રહેશે એવી ઘોષણા કરી દે, મારા બાપ ! ગુજરાતને તોતિંગ અજગર કરી રાખે શી સારાવાટ છે? પૂરું પોતાનું જ શરીર ઊંચકીને ચાલી ન શકતી ગુજરાતને તો પાછળથી કૂતરાં કરડી ખાશે. માટે હું તો કહું છું કે તમામ પાડોશીઓને વધામણી પહોંચાડી દો કે આ યવનોને પાછા કાઢવામાં મદદ કરો ને સદાને માટે સ્વાધીનતા ભોગવો. ગુજરાતને આપણે એને પોતાને જ વિસ્તારભારે ચગદાઈ જવા નથી દેવી. કેમ બોલતો નથી તું?” મોટા રાણા વસ્તુપાલ તરફ વળ્યા.

"બાપુ, તમે તો ભરાડી ચોર નીકળ્યા!”

“કાં ?”

"હું ઘેરથી જે કહેવાનું ગોઠવીને લાવ્યો હતો તે જ આપ શબ્દશઃ કહી રહ્યા છો."

"કુસંગતનાં ફળ બધાં, બેટા ! પણ હું તો તમને સૌને કહું છું, કે બથમાં આવે એવડી જ – બસ એવડી જ – ગુજરાતનો મોહ રાખજો.”

"તો પધારો, મંડલેશ્વર !" રાણા વીરધવલે ભીમસિંહને રજા આપી, અને ચૌહાણ- ભાઈઓને 'જય સોમનાથ' કહી અમારું નિમંત્રણ દેજો, ને બાપુની સૂચના મુજબ પાડોશીઓને પત્રો લખી મોકલો, મંત્રીજી.”

પ્રભાત પડે છે ને વધાઈ મળે છે.

રેવાકાંઠો આવી ગયો : પચીસ હજાર. મહીકાંઠાના મેવાસીઓ ચાળીસ હજાર તીરકામઠે હાજર છે.

પખવાડિયું થયું ત્યાં તો એક પણ એવો પ્રદેશ નહોતો રહ્યો જેના પ્રતિનિધિઓ યવનો સામે લડવાને હાજર ન થયા હોય. દરિયાની મહારેલ સમી માનવભરતી આબુ-ચંદ્રાવતી તરફ રેલાવા લાગી.