પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હમ્મીરમદમર્દન
325
 


તેમ છતાં એક માણસના હૈયામાંનો જૂનો ફફડાટ હજુ વિરમ્યો નહોતો. એ કાળજું હજુ પણ પ્રશ્નાર્થચિહ્નનો આકાર ધરી રહ્યું હતું. યવનો ! યવનો કેવા હશે ! આ મારા પાતળિયા રૂપકડા ગુર્જરો જો ભાગશે તો હું શું કરીશ? અરે, હું પોતે તો નહીં ધ્રૂજી જાઉંને? કેવડા મહાકાય યવનો ! કેવા વિકરાળ, કેવા પલીત અને નિર્મમ !”

જેતલદેવીની પોતે પ્રભાતે વિદાય લીધી તેને રાણાએ છેલ્લીપહેલી જ માની હતી. અને રાણાને છેલ્લા જે વિદાય-બોલ રાણકી કહી રહી હતી તે આ હતા: "હું સોરઠની દીકરી – જોહર કેમ થાય તેની જાણ નથી, માટે જાણકાર રાજપૂતાણીઓને મેવાડથી તેડાવી રાખી છે. આપ નચિંત રહેજો.”

"શું? એ શું કહી રહ્યાં છો, હેં બા !” એકાએક બહારના ખંડમાંથી મંત્રીનો બોલ સંભળાયો, “બળી મરવાનું ટાણું કલ્પો છો શું? અરે, સોમનાથ સોમનાથ કરો, બા ! એ જમાનો તો ગયો ગુજરાતને માથેથી. અને રાણાજીને જો પાછા ન લાવું ને, તો તમે તમારા મહેલને નહીં પણ આખા પાટણને ને ગુજરાતને આગ ચાંપી દેજો. પછી કોઈને ગુજરાતમાં જીવતા રહેવાની જરૂર જ નહીં રહે. તમે તો બા, યવનોનાં માથાનાં શકટોનું સ્વાગત કરવાની જ સામગ્રી તૈયાર રાખજો.”

“પણ, ભાઈ !” રાણી જેતલની આંખોમાં ઝળઝળિયાં ડોકાતાં હતાં, “અગાઉ કેટલી વાર બન્યું છે?”

“અગાઉ બન્યું તેની ભ્રમણામાં છે એટલે જ યવન આવી રહ્યો છે ના ! જાણતો હશે દીકરો, કે આંહીં ગુજરાતમાં હજીય કીડિયારે લોટ વેરનારા અને પરબડી પર પારેવાંને જુવાર નાખનારા જંતુઓ જ ખદબદે છે. માનતો હશે કે આંહીં તો બામણા ને શ્રાવકડા વચ્ચે સત્તાદોર હાથ કરવાની હરીફાઈ જ ચાલી રહી છે ! એના મનમાં મોજ હશે કે ગુર્જરો પોતાના શત્રુનો વિનાશ મંદિર માયલા પથરાના સતને સોંપી દઈ પોતે તો જપ, તપ અને ગુણિકાના નાચમાં જ ગરકાવ હશે. એથી તો એ આવી રહ્યો છે, બા ! એને ગુજરાતની કાયાપલટના ખબર કોઈએ પહોંચાડ્યા નથી – ને એ તો ઠીક જ થયું છે. તમે જરા ચંદ્રશાલા પર ચડી ને જુઓ તો ખરાં કે વામનસ્થલીના સંગ્રામ પછી આજ ગુજરાતનાં પૌરુષ-નીર ક્યાં જતાં છોળો મારી રહ્યાં છે. અમે સંઘ અમસ્તો નહોતો કાઢ્યો, બા ! માટે બળી મરવા નહીં પણ કૃપાણો ખેંચી કૂદી પડવા તૈયાર કરજો ગુજરાતણોને.”

બહારથી ખબર આવ્યાઃ દેવગિરિથી દૂત આવી ઊભો છે.

યાદવપતિ સિંઘણદેવનું પત્ર વંચાયું. તેમાં પુછાણ હતું: “કેટલું સૈન્ય મોકલું?” જવાબ વાળ્યો: ‘આપનું પત્ર એક અક્ષોહિણી જેટલી સહાય પૂરી પાડ્યા