પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
20
ગુજરાતનો જય
 


"હું એનો મનસૂબો દેખીને મનમાં રાજી થયો. કુંઅરબાઈના જેવું જોબન રંડાપો વેઠતું હતું એ દેખી મારું દિલ કપાતું હતું. એને કોઈક દીક્ષા દેશે તેની મને બીક હતી. મને તો બાપુ, એમ જ થાતું કે આવી રૂપાળી ને ગુણવાળીને પેટ કેવા પાકે? જાતા આભને ટેકા દે એવા! એને ઉપાડવાનું બોલનારો મને વીર લાગ્યો. એમાંય આ તો ગરીબ વાણિયો વીર ! મેં પણ હા પાડી. મારું ભલે ગમે તે થાઓ."

"પણ કુંઅરની ઈચ્છા હતી?”

"એ જ મેં કહ્યું, કે જોજે હો આસરાજ, જો બાઈનું દિલ નહીં હોયને, તો હું તને વગડામાં ઠાર મારીને પાછો લઈ આવીશ. આસરાજ કહે કે તું શું ઠાર મારતો'તો ! હું જ જીભ કરડીને નહીં મરી જાઉં બાઈના ખોળામાં જ ! પણ જેહુલ, બાઈ પાછી ફરે નહીં. મહારાજ હરિભદરસૂરિનો બોલ છે. એ તો વિધાતાનો બોલ ! એણે બોલ ન કાઢ્યો હોત તો હું રાંક આસરાજ આ પગલું જ કેમ ભરત !”

"શો બોલ હતો મહારાજનો, હેં જેહુલ?” લવણપ્રસાદે પૂછ્યું.

"એની જાણ તો બાપુ, આસરાજે હરણાંની રાતે કુંઅરબાઈને વગડામાં કરાવી ત્યારે જ મને પડી. મેં હવેલીની વાંસે વાડામાં સાંઢ્યને માથે ડેરો નાખીને ઊભી રાખી. અને મરદ આસરાજે હવેલીની મેડીએ જઈને કુંઅરબાઈને ઊંઘતી બે હાથમાં ઉપાડી. ઉપાડીને એ જ્યારે ગોખમાં આવી ઊભો હતો ત્યાર વેળાનું એનું રૂપ મને આજ પણ યાદ છે, બાપુ! હાથમાં સૂતેલી સુંદરી, અને એને માથે ઝળુંબતું આસરાજનું મોં, ભાંગતી રાતના તારોડિયાનો પરકાશ આટલું જોવા માટે ઘણો બધો હતો.

"સીધો એ સાંઢ્યને માથે આવ્યો, ભરીભરી સ્ત્રીને એણે હળવાફૂલ જેવી ડેરામાં સુવાડી દીધી. પોતે ડેરાની પાછળ બેઠો, મેં આગળ સાંઢ્ય હંકારી મેલી. મારું હૈયું થડક થડક થાય. પણ કહ્યું કે ઠીક, મનવા ! આવું કામ કરતે કરતે મરવુંય સાત જનમારા માણ્યા બરોબર છે.”

લવણપ્રસાદ પોતાના સાંઢણીસવારની કાવ્યશક્તિ પર મલકાતો હતો. કહ્યું: "હાં, પછી?”

“પછી તો પરોઢવેળા કુંઅરબાઈએ પડખું ફેરવ્યું. જાગી ગઈ. બેબાકળી બનીને પૂછવા લાગી, “કોણ છે? આ શું છે? મને કોણ લઈ જાય છે?”

“મેં જવાબ દીધો, બા, એ તો હું જેહુલ છું. તમેતમારે કશી ચિંતા કરશો મા, સૂતાં રહો."

"અરે રહ્યાં રહ્યાં સૂતાં ! સૂવાનું કહેનારો તું કોણ ? ઊભો રહે, હિચકારા.' એમ કહેતાંકને એણે પાછળથી ડેરાનો પડદો ઉઘાડી મારી બોચી પકડી અને હું મોં ફેરવીને એની સામે જોઉં તો એના હાથમાં વેંત જેવડી કટારી ચમકે! મેં કહ્યું