પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
326
ગુજરાતનો જય
 

બરોબર છે. હવે તો ગુજરાતના ધ્વંસ પછી જ આપનો વારો આવશે.”

અને છેલ્લે – રાજબંદીવાનોના નિવાસસ્થાનેથી એક વિનતિ રાણા પાસે આવી: “મને આ મહાસંગ્રામમાં અદના સૈનિક લેખે પણ યુદ્ધ ખેલવાનો અધિકાર નહીં આપો એ હું જાણું છું. મારા પર વિશ્વાસ નહીં જ મૂકો – ન મૂકો એમ હું જ સામેથી કહું છું, કારણ કે માણસના મનનું ઠેકાણું નથી. મને જ મારા પર વિશ્વાસ નથી. પણ મને સૈન્યપ્રસ્થાનનાં દર્શન કરવા માટે ભવાનીને મંદિરે ચોકીપહેરા નીચે ઊભો તો રહેવા દો, હું સદગતિ પામીશ.'

એ સંદેશો આગલા લાટપતિ સંગ્રામસિંહનો હતો. સિંઘણદેવ અને માલવપતિ સાથેના એના ષડ્યંત્રની સજામાં એ પાટણનો રાજકેદી બન્યો હતો. ભયંકર અને દારુણ યવનધાડાં ફરી પાછાં એક વાર ગુજરાતની નવરચનાને રક્તસ્નાન કરાવવા ધસ્યાં આવે છે એવા સમાચારે તો સંગ્રામ સમા તરકંટી ગુર્જરનું પણ હૈયું હલાવી મેલ્યું હતું.

ભવાનીમંદિર બલિ ધર્યા પછી જ સૈન્યનું સંચાલન થનાર હતું. અન્ય પશુબલિની, નૈવેદ્યની વગેરે તો તૈયારી રખાઈ હતી. સંગ્રામસિંહે માતાને મઢે ચડીને સૈન્ય નિહાળ્યું ને એણે ઉદ્દગાર કાઢ્યો: “ઓહો! આવા મહાપ્રસ્થાન માટે તો મોંઘા નરબલિ જ મા ભવાનીને ચડવા ઘટે.”

થોડીવાર પછી રાણાજી પાસે ખબર પહોંચાડવામાં આવ્યા કે સંગ્રામસિંહે મા ભવાનીની સમક્ષ એકાએક પોતાની સમશેર વડે પોતાનું શિર ઉતારી બલિ ધર્યો છે. અમને કોઈને જાણ નહોતી ને આ બન્યું છે. મસ્તક ઉતારતાં પહેલાં એણે 'જય ગુર્જરીનો' એવો એક ઉદ્ગાર કાઢ્યો હતો.

મહાશકુન મળ્યાં સમજી પ્રયાણનો પ્રારંભ થયો. સ્તંભતીર્થથી પારસિકો અને પેઢાનપેઢીથી વસી રહેલા અરબો પણ અબીલ-ગુલાલ અને પુષ્પો લઈ વિદાય દેવા ઊભા હતા. નગરશ્રેષ્ઠીની કુમારિકા પુત્રી કુંભ લઈને આવી. રાણાનો અભિષેક કરી એના કરમાં શ્રીફળ મૂક્યું. ધીરે ધીરે ધ્વજ ક્ષિતિજમાં સમાયો ત્યાંસુધી સૌ ઊભા રહ્યા. ગુજરાતનું ઘરેઘર સીમાડે ઊભું ઊભું નયનાશ્રુ લૂછી રહ્યું હતું; કારણ કે એવો એકપણ ઉંબર નહોતો – સિવાય વાંઝિયાનો – કે જ્યાંથી અનેક જોધાર આબુ તરફ ન સિધાવી ગયો હોય.

પેલી તરફ સિંધમાંથી સવારી લઈને ચડેલા મીરશિકારે લૂણી નદીને કાંઠે તંબુ તાયા હતા અને પોતાના નેકપાકગુરુ સાંઈમૌલાના આવવાની પોતે રાહ જોતો હતો. સામાન્ય રીતે દરવેશો બુજરગ હોય છે તો જ સમર્થ રાજાબાદશાહોના મુર્શદ બની શકે છે. પણ મીરશિકારના સાંઈમૌલા છેલ્લા એક દાયકાથી જેવા ને તેવા