પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હમ્મીરમદમર્દન
327
 

યુવાન હતા. પંદર સાલથી એનો સિંધમાં નિવાસ હતો અને મીરશિકારને ખાતરી થઈ ચૂકી હતી કે આ દરવેશ એક મગરમચ્છને માથે સવારી કરીને છેક બગદાદથી નગરઠઠ્ઠા આવ્યા છે. ઇસ્લામની ચાદર આખા ગુજરાત પર પાથરી દેવી એવું એ દરવેશનું બિરદ હતું. એ માટે પોતે ગુજરાતમાં વારંવાર જતા અને પાછા સિંધ આવીને મીરને ખુશખબર દેતા કે કેટલા સેંકડો હજારોને પોતે શિષ્યો બનાવ્યા છે. મીરશિકારની આ વખતની ચડાઈને પણ એ યુવાન દરવેશે જ મંજૂરી સંભળાવી હતી. પોતે આગળ જઈને તમામ નિરીક્ષણનો સાર આપવા લૂણીને કાંઠે હાજર થયા ને જણાવ્યું કે ચંદ્રાવતી ઉજ્જડ છે, આબુનાં ગામડાં વેરાન પડ્યાં છે, જે કાંઈ વસ્તી રહી છે તે માત્ર ઇસ્લામીઓની જ છે.

"ત્યારે શત્રુ ક્યાં છે?”

“એની જમાવટ તો છેક પાલનપુર પાસે જ છે. થરથરી ઊઠેલ છે, ફોજનું કાંઈ ઠેકાણું નથી. પહેલું કામ અલ્લાહના શુકર ગુજારવાનું એટલે કે આબુનાં દેરાં જમીનદોસ્ત કરવાનું છે. ઊપડો જલદી. ફતેહ તો ગુલબદનની માફક રાહ જુએ છે, મીરશિકાર !” એમ કહીને ઓલિયાએ રજા લીધી.

“કાં, બાપુ?"

“મારે તો બેસવું પડશે તારી ફતેહ માટે બંદગીમાં.”

"ક્યાં ?”

“પંજા પીરની ગુફાને તળિયે. આહાર ને પાણી બધું છોડીને ત્યાં બેઠો બેઠો તારી ફતેહની રટણા કરીશ.”

બાપુના કદમોને બોસા કરીને મીરશિકાર ચડ્યો અને આંહીં પાછળ ગુફા પાસે ઓલિયાએ પોતાની જમાત સાથે પંદર વર્ષના વેશ પરિધાન ઉતાર્યા; ને પવનવેગી સાંઢ્યો સજ્જ રાખી હતી તેને પલાણી આડકેડે થઈ ગુર્જર સૈન્યને આંબી લીધું. મુદ્રા તો તૈયાર જ હતી, એટલે સૈન્યની ચોકીઓમાં પ્રવેશ પણ સરલ હતો. મંત્રી વસ્તુપાલની પાસે જઈને એકાંતે એણે કહ્યું: “આબુ-અરવલ્લીની ઘાટીમાં.”

"શાબાશ, કમલક” મંત્રીએ પાસે લઈને એ દરવેશ બાપુ મટીને પાછો કમલક નામે ચર બની જનારને પ્રોત્સાહિત કર્યો.

"બોલ જલદી.”

“બીજું કશું નહીં. આબુ-અરવલ્લીની ઊંડી ઘાંટીમાં.”

"મેદાનમાં નહીં?”

“ના, નહીં પહોંચો. અનવધિ સૈન્ય છે યવનોનું.”

“તો શું ઘાંટીમાં આપણે પ્રવેશી જઈએ?”