પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
328
ગુજરાતનો જય
 


“નહીં. એમને ઠાંસી દેવાના. આપણે બેઉ છેડેથી ડાટો દેવાનો છે.”

“ઘાંટીમાં ઊતરશે ખરા કે?”

“બરાબર ઊતરશે. બીજો કોઈ માર્ગ નથી, અને એને તો પહોંચવું છે આબુનાં દેરાં ભાંગવા.”

“માર્ગે બધો બંદોબસ્ત છે ના?”

"માર્ગે તો માનવીઓ જ ક્યાં રહેવા દીધા છે ! શૂન્ય ગામડામાં ફક્ત વટલેલ તરકડાઓને જ રહેવા દીધા છે. એ લોકો કરશે મહેમાની. પ્રહૂલાદનપુર સુધીના પટને નધણિયાતો બનાવ્યો છે.”

"ઠીક ત્યારે, એ મુજબ વ્યૂહ ગોઠવું છું. તું તો પંદર વર્ષમાં મોટો ઓલિયો બની ગયો.”

“જી હા, ને હવે મને એ લોકો પીર બનાવશે.”

"ભાષાજ્ઞાન બરાબર મેળવી લીધું હશે.”

“જી, અરબી ને ફારસી તો જિહવાગ્રે છે. ખૂબ વાંચ્યું છે – કુરાન, કવિતા, સાહિત્ય, જ્યોતિષ, ઈતિહાસ વગેરે.”

"વારુ, પછી નિરાંતે બેઠાં બેઠાં તારી પાસેથી આ બધી વિદ્યા ભણી શકાશે. એ પણ કેવો લહાવો ! અલ્યા ગાંજોખાંજો પીતો કે નહીં?"

"હા, જી, ખોટેખોટી સટ મારતો ચલમોને.”

“ઠીક, હવે તું ક્યાં જશે?”

"બીજે ક્યાં વળી? ઘાંટીમાં.”

"વારુ.”

રાજ્ય પછી રાજ્યને પાર કરી ગયેલો મીરશિકાર આબુને સીમાડે સામનાની ધારણા સેવતો હતો. પણ એ સીમાડા તો એણે ઉજ્જડ જોયા. ત્યાં ફોજ તો નહોતી. ગામડાં કે શહેરોમાં માણસો પણ નહોતા. મલકાતો મલકાતો મીરશિકાર આકડાની ડાળે માખીઓ વગરનું મધ ભાળી આગળ વધ્યો આવતો હતો. ગામડે ગામડે અને નાના નેસોમાં રડ્યાખડ્યા માણસો હતા. તેઓના વેશપોશાક અને રહેણીકરણી યવનનાં હતાં. તે આ સૈન્યનો સત્કાર કરતા હતા, ફોજને દૂધ-ઘીથી ધરવતા હતા. અનાજની પણ સગવડ કરી દેતા હતા.

મીરશિકારે પૂછ્યું કે, “તમારો ધારાવર્ષ કેમ ફરકતો નથી? એની ફોજ ક્યાં ગાયબ થઈ ગઈ?”

ગામડિયા યવનવેશીઓએ જવાબ વાળ્યો કે કાલે જ ધાર પરમાર પાટણ ભાગી ગયા, ને ફોજ તો પ્રહલાદનપુરના ઓડા બાંધવા દોડી રહી છે. ચંદ્રાવતીમાં