પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હમ્મીરમદમર્દન
329
 

કે ડુંગરામાં કોઈ ધણીધોરી નથી. જે છે તે બધું પ્રહલાદનપુર છે.

સાંભળી સાંભળીને મીરશિકાર વખત ગુમાવ્યા વગર વેગ કરતો આગળ વધ્યો. ગામડે ગામડે એણે ફક્ત એકબે માણસો જોયા. તેઓ બધા તુરકવેશી હતા. તેમણે પણ એ-ની એ જ બાતમી આપી: બધી જમાવટ પ્રહલાદનપુરમાં થાય છે, આંહીં તો આખો પ્રદેશ અણરક્ષ્યો છે.

આબુ-ચંદ્રાવતીનાં દેરાં તોડવાની તાતી મુરાદે યવન ફોજ ઊંધું ઘાલીને આગળ વધી; અને કશા જ ડર સંકોચ વગર આબુની ઘાંટીમાં પેઠી.

ઘાંટીમાં આખી ફોજ ઓરાઈ ગઈ, વચ્ચોવચ્ચ આવી, ઠાંસોઠાંસ ભરાઈ ગઈ, તે વખતે પછી પાછળથી એક બીજું સૈન્ય ઘાંટીમાં દાખલ થયું. એને મોખરે હતા ધારાવર્ષદેવ. એ સૈન્યે પાછળનો માર્ગ બંધ કર્યો, યવન સેનાએ પછવાડે કંઈક ભીંસ ભાળી, ઘાંટીને પાર કરવા એણે કદમ ઉપાડ્યા. ત્યાં તો ઘાંટી નિર્જન મટીને માનવસિંધુએ ઊભરાઈ ઊઠી. ઘાંટીના આગલા પ્રવેશસ્થાનને ઠાંસીને બીજું એક સૈન્ય ઊભું હતું. એના આગેવાન હતા વીરધવલ અને તેજપાલ.

બન્નેની વચ્ચે પ્રચંડ યવન ફોજ ભચરડાઈ ગઈ. આગળ કે પાછળ નીકળાયું નહીં. બેઉ પડખે ઊંચા પહાડોની દીવાલો હતી. પહાડો પરથી પણ છૂપા સૈન્યે મૃત્યુ વરસાવ્યું. મીરશિકારનાં માણસો અને સાધનો ચુપચાપ ત્યાં રોળાઈ ગયાં.

યુદ્ધ પત્યા પછી રાણા વીરધવલે ધારાવર્ષદેવને કહ્યું: “મારે તમારું સૈન્ય જોવું છે.”

પ્રત્યેક સૈનિકને જોતા જોતા, કોઈકને જાણે એ શોધતા હતા. આખરે એક સામાન્ય યોદ્ધાની પાસે આવતાં એ થંભ્યા, એણે અણસાર પારખી પૂછ્યું: “આપણે સૌરાષ્ટ્રના ગામડાના શિવાલયમાં મળેલા?”

યોદ્ધો નમન કરીને નીચે જોઈ ગયો. એનો મદ એક સ્ત્રીએ ગાળી નાખ્યો હતો.

“કટારીનો દાવ તમે જ બતાવેલો. ખરું ?"

યોદ્ધાએ લજ્જા રાખીને હા કહી.

“એ કરતાંય વધુ કારમાં તો તમે તમારી જીભના કટાર-ઘા ચોડેલા, નહીં?”

“હું ક્ષમા પ્રાર્થુમં છું.” યોદ્ધાએ જવાબ વાળ્યો.

“તમને ધારાવર્ષદેવે કંઈક શિક્ષા કરવી જોઈએ."

ધારાવર્ષદેવ કંઈ બોલ્યા વગર ઊભા રહ્યા.

“પણ એ શિક્ષા કરે તે પૂર્વે મારે તમને બદલો દેવો રહે છે.” એમ કહીને વીરધવલે પોતાની કૃપાણ લઈને એ વીરને ખંભે આરોપી અને ધારાવર્ષને કહ્યું: