પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


32
બે જ માગણીઓ

સ્તુપાલ ખંભાત પાછો ગયો ત્યારે હજની મોસમ ચાલતી હતી. મુસ્લિમ જાત્રાળુઓનાં ટોળેટોળાં ખંભાતમાં આવતાં હતાં ને તેમને લઈ દેશ-વિદેશનાં સંખ્યાબંધ વહાણો મક્કા-મદીનાની ખેપે જતાં હતાં. વિધર્મીઓ તરફની વસ્તુપાલની નીતિ મહારાજ જયસિંહદેવના જેટલી જ ઉદાર હતી, એટલે જ ખંભાત તુરકો આરબો વગેરે વિદેશીઓને માના પેટ જેવું સલામતીભર્યું લાગતું.

એક રાત્રિએ ગુપ્તચરે આવી સમાચાર દીધા કે દિલ્હીની એક બુઢ્ઢી ખંભાતમાં આવી છે અને હજ પઢવા જાય છે. એને લઈ જનાર વહાણનાં નામનિશાન પણ નક્કીપણે મળ્યાં છે.

"દિલ્લીની ડોશી ! એ તરફનાં હાજીઓને તો સિંધનાં બારાં નજીક પડે.” વસ્તુપાલે વહેમ બતાવ્યો; “એ કોણ છે? વધુ તપાસ કરો.”

વધુ તપાસે ખાતરી થઈ કે એ બુઢ્ઢી તો ખુદ દિલ્હીપતિ મોજુદ્દીનની મા છે અને વહાણ અરબસ્તાનના એક આરબ સોદાગરનું છે. અહીંથી એણે કીમતી માલ ભર્યો છે. ઠેઠ દિલ્લી જઈને એ મોજુદ્દીનની માને હજ પઢવા લઈ જવા તેડી આવ્યો છે."

"ક્યારે ઊપડે છે?"

“કાલ બપોરે.”

"ઠીક.”

ગુપ્તચર ગયા પછી મંત્રીએ લાંબા સમય સુધી મૌન ધારી વિચાર દોડાવ્યો. પોતાની માને આટલે દૂરને બંદરેથી હજ પર મોકલવામાં દિલ્હીપતિનું કોઈ કાવતરું હશે તો? એ પકડવું જ રહે છે, ને કાંઈ પાપ નહીં હોય તો આ નિમિત્તે દિલ્હીપતિ સાથે સીધી પિછાન સાધી શકાશે. વચ્ચે વચ્ચે એ મલકાતો હતો. ઉગ્ર પણ બનતો હતો ને કોઈકના ઠપકાથી ઝંખવાણો પડતો હોય તેવો પણ ચહેરો કરતો હતો. એના હોઠ બબડતા પણ હતા: “નીચતા !...કોણ કહેશે ! અનુપમા તો નહીં જાણે... પ્રજા તો વખાણશે.. પણ ભવિષ્યના ઇતિહાસમાં? ભલે જે કહેવાય તે. આજે તો