પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે જ માગણીઓ
335
 

સુરત્રાણ-માતા તો ચકિત બનીને જોઈ રહી. એ હતું એક આરસનું તોરણ. એની કોતરણી અપૂર્વ હતી. હિંદુ શિલ્પનો એ ઊંચો નમૂનો હતો.

"ને એક કોલ આપો પછી જ જવા દઉં.” એમ કહીને વસ્તુપાલે માગ્યુંઃ “વળતાં પણ આંહીં થઈને જ દિલ્લી જવાનું.”

મોજુદ્દીન-માતા કોલ દઈને હજે ચાલ્યાં. સારુંયે સ્તંભતીર્થ સાગરતીરે વળાવવા ચાલ્યું. તોરણને વાજતેગાજતે લઈ જઈ જહાજમાં પધરાવ્યું. એ તોરણ ચોડવામાં નિષ્ણાત એવા ગુર્જર શિલ્પીઓને પણ મંત્રીએ મક્કા સાથે મોકલ્યા.

*

હજ કરીને ખંભાત થઈ પાછાં પહોંચેલાં ‘અમ્મા' દિલ્લીમાં બેટાને મળ્યાં ત્યારથી એણે મોજુદ્દીન આગળ ગુર્જરદેશના દીવાનનાં ગુણગાન આદર્યો. ‘તું ખુશી ખાતે પહોંચી'તીને, અમ્મા?’ એમ પૂછે તો અમ્મા વસ્તુપાલે કરેલી સરભરાની જ વાત કરે. સુરત્રાણની બેગમોને જોઈ જોઈ અમ્મા સોખુ-લલિતાની વાત કાઢે. તોરણનું તો રટણ જ કરતાં અમ્મા થાકે નહીં. પેટીઓ ઉઘાડી ઉઘાડીને ખંભાતથી આપેલી સોગાદોનાં પ્રદર્શન પાથર્યા અમ્માએ.

કંટાળેલા સુરત્રાણે પૂછ્યું: “અમ્મા ! હું પૂછું છું તેનો જવાબ તું વાળતી નથી અને આ હિંદુ દીવાનના જાપ શા જપે છે?”

“અરે, બેટા ! એક વાર તું મળે તો તું પણ આફરીન પુકારે.”

“તો એને તેડી કેમ ન લાવી?"

"તો તું મળત ખરો?"

“બેશક. મારી જનેતાનું દિલ જેણે જીત્યું અને જેણે આપણા મજહબને માન દઈ છેક મક્કે તોરણ મોકલાવ્યું તેને શું હું ન મળત?”

“તો તો ખરું કહું ? હું તેડી લાવી છું.”

“ક્યાં છે?”

“કસમ ખા, કે એનો વાળ પણ તું વાંકો નહીં કરે.”

દિલ્લીથી થોડે દૂર ઊતરેલા વસ્તુપાલને તેડવા મોજુદ્દીને અમીરો મોકલ્યા અને દરબારમાં સત્કારતાં એને નજરે દીઠો.

ચાંચિયાઓ પાસે હજે જતા જહાજની લૂંટ કરાવી જાણનાર વસ્તુપાલ જ્યારે સાંસ્કારિક મુલાકાતે જતો ત્યારે પુરબહારમાં ખીલતો. એના પ્રિયદર્શી દેહનો રૂપાળો બાંધો કોઈને પણ ગમે તેવો હતો. મોજુદ્દીનને એ વધુ ગમ્યો. એ તાકીને જોઈ રહ્યો. આબુની ઘાંટીમાંથી મ્લેચ્છોનાં માથાં વાઢી ગાડે ગાડાં ભરી જનાર વણિક ભાઈઓ વિશે, વસ્તુપાલને દેખ્યા પછી સુરત્રાણને વિસ્મય થયું. જેટલા દિવસ એ રહ્યો તેટલા