પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિધવા રત્નકુક્ષી
21
 

કે “બા, નિર્દોષને શીદ મારો છો? તમારા સાચા ચોર તો પાછળ બેઠા છે !” એણે. ત્રાડ પાડી, “કોણ છે?” ત્યાં તો “એ તો હું છું, દેવી !' એમ કહેતાકને આસરાજ આગળ આવ્યા અને બોલ્યા, 'મારવો હોય તો મને મારો'. બાઈ થંભી ગઈ. ને પછી ગુસ્સામાં બોલી, 'તમે ! – તમે આ શું કર્યું, આસરાજ?'

“તેનો જવાબ આસરાજે વાળ્યો ત્યારે જ ખબર પડી કે મહારાજ હરિભદરસૂરિએ શું કહ્યું હતું. કહ્યું આસરાજે કે 'દેવી ! ગુરુનો બોલ છે, ગુરુએ અપાસરામાં ચાલતે વખાણે તમારા સામુદ્રિક ચિહ્નો જોયાં છે, ગુરુએ તમારું તાલકું વાંચીને ભાખ્યું છે કે રંડાપો તમારે રહેશે નહીં. તમે રત્નોની જનેતા બનવા સરજાયાં છો. વિશેષમાં ગુરુએ કહ્યું છે, કે તીર્થંકર પાર્શ્વનાથ પણ વિધવાને પરણ્યા હતા. મને ગુરુનો આદેશ મળ્યો છે. બસ, હવે તમારે કટાર ચલાવવી હોય તો આ રહી મારી છાતી.'

"કુંઅરબાઈ ઘડીક તો થંભી રહી. એણે કટાર પાછી વાડે કરી. એની આંખો ડળક ડળક થઈ. એણે આસરાજને પૂછ્યું, “મને ક્યાં લઈ જવી છે?” આસરાજે કહ્યું કે “ધરતી પર જ્યાં આપણે બે સંસાર માંડી શકીએ ત્યાં.” બાઈએ કહ્યું કે 'તો સાંઢ્ય પાછી મોકલો. આપણે બે હાલ્યાં જશું.'

“મને ત્યાંથી પાછો મોકલ્યો, બાપુ, ને એ બેય જણાં હાલી નીકળ્યાં. તે પછી આજ વીસ વરસે મેં કુંઅરબાઈને દેખ્યાં. આજની ઘડી ને કાલનો દી, બાપુ પણ રૂ૫ તો એનું એ જ છે.”

"સાચું, જેહુલ ! રૂપ તો એનું એ જ. પણ હેં જેહુલ, શું આ એનાં માવતરની મરજી વિરુદ્ધ જ બન્યું હતું?"

“ના બાપુ. મા લાછલબાઈની આવી ઈચ્છા ખરી. બાઈ બહુ ડાહ્યું માણસ ! દીકરીને રંડાપામાં સળગતી દેખી શકતાં નો'તાં, કહે છે કે આસરાજને આમ કરવામાં ખરચી આપનાર પણ લાછલબાઈ જ હતાં.”

“તો ઠીક, તે વગર બને નહીં. તને પણ તે વગર પાછો રાખી લ્યે નહીં.”

“એને બીક હતી, બાપુ - દીક્ષાની.”

“પછી એ બેય જણાં તો દક્ષિણમાં છેક સોપારા જઈને રહ્યા'તાં ને, જેહુલ?”

“અરે બાપુ, એ બે જણાંએ તો જે વેઠ્યું છે તે કહ્યું જાય તેવું નથી. બાપના ઘરમાં ફૂલડાંમાં આળોટેલી એ કુંઅર આજ સુધી જીવતી જ કેમ રહી હશે એનું જ મને કૌતુક છે. હજીય જાણે એવું ને એવું માંજેલું મોં ! કોણ કહે કે અગિયાર છોકરાંની મા હશે.”

"પ્રેમનું તો બળ જ ન્યારું છે ને, જેહુલ !”