પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
33
નેપથ્યમાં

નેમિનાથનું ચૈત્ય આબુ પર અધૂરા ચણતરે ઊભું હતું. અનુપમાના મોં પર ઉદ્વેગ હતો. શોભનદેવની સ્વપ્નભરી આંખો, પોતે જે પાષાણ ઘડી રહ્યો હતો તે પર ઢળેલી હતી. શિલ્પીઓનાં ટાંકણાં થાકેલાં હોય તેવાં ટચૂક ટચૂક બોલતાં હતાં. આરસના સ્તંભો ઉઠાવતા મજૂરો ઠંડીમાં થરથર ધ્રુજતા હતા.

"ક્યારે ચૈત્ય પૂરું થશે? શું થશે, શોભનદેવ!” અનુપમા ઉચાટ કરતી હતીઃ “લક્ષ્મીનાં નીર વહી જાય છે. હથેળીમાંથી આયુષ્ય સરી રહ્યું છે. મંદિર ક્યારે પૂરું બંધાઈ રહેશે ?”

"દેવી!” શોભનદેવ સહેજ હસીને જવાબ દેતો હતો, “દિવસ ને રાત કામ ખેંચાવું છું, પણ મજૂરોનાં આંગળાં ટાઢે થીજી ગયાં હોય છે, ખાવાનું પકવવામાં સમય જાય છે, રાતનું કામ પણ ચાલુ છે, રાતે તો અરધી ઊંઘમાં કારીગરો કામ ખેંચે છે.”

"આયુષ્યના શ્વાસ ખૂટતા આવે છે, દેવ ! ને લક્ષ્મી ચંચળ પગલે ચાલતી થશે ત્યારે શું થશે? મજૂરોની રાતપાળી દિવસપાળી જુદી બોલાવો, ટાઢમાં પ્રત્યેકની પાસે સગડીઓ મુકાવો, રસોઈ કરનારા જુદા રખાવો, બાળકોનાં પારણાં આંહીં બંધાવો, તેમનાં દૂધની તજવીજ કરો. આયુષ્ય જાય છે ને લક્ષ્મી સરે છે.”

વળતા દિવસથી શોભનદેવે નવી વ્યવસ્થા કરી અને ચૈત્ય ભૂમિમાંથી આળસ મરડી ઊભું થતું ભાસ્યું. દિલ્લીથી આવેલા વસ્તુપાલને અનુપમા દેલવાડે લઈ આવી. અનુપમા અને વસ્તુપાલ વચ્ચે જાણે હોડ રમાવા લાગી હતી. એક પ્રભુમંદિર કરાવતી હતી ને બીજો પ્રજામંદિરનાં ચોસલાં ચડાવતો હતો. બેઉને જાણે કે સરખી જ ઉતાવળ હતી. આયુષ્યના ઓટ પાણીને વેગે પાછા વળી જતા હતા ને લક્ષ્મીની, સત્તાની સરિતાઓ આજે બે કાંઠે હોવા છતાં ક્યારે પૃથ્વીમાં અલોપ થાય તે કહેવાય તેમ નહોતું. ભાતું ખૂટતું હતું, યાત્રાનો લાંબો પંથ કાપવાનો હતો.

શ્રમજીવીઓ માટે નવી થયેલી વ્યવસ્થા નિહાળી વસ્તુપાલ રાજી થયા. પછી એણે શોભનદેવને કામ કરતો જોયો. પ્રાસાદની છતમાં ચોડવાનાં મોટાં કમળનાં