પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
340
ગુજરાતનો જય
 

ડાલાંની પ્રથમ કલ્પનાની રેખાઓ એ ખેંચી રહ્યો હતો. વસ્તુપાલે અનુપમાને કહ્યું: “બીજાં બધાંની અગવડ-સગવડોનો વિચાર તો કર્યો છે તેં, ફક્ત એક આને જ ભૂલી ગઈ છે !”

અનુપમાને ગાલે ગલ પડ્યા. વસ્તુપાલે પૂછ્યું: “પેલી સોમેશ્વરદેવની રેવતીનું ને આનું કંઈક ચાલતું હતું ને?”

"હા, પણ શોભનદેવ માનતા નથી. એ કહે છે કે પરણું તો કોને સાચવું? કલાને કે પત્નીને? અને એ તો કહે છે કે આંહીં એનું મન ભર્યું ભર્યું છે, કશી જ ઝંખના કે એકલતા નથી.”

વસ્તુપાલે વધુ વાત ન છેડી. એ સમજી શક્યો હતો કે અનુપમા પ્રત્યેના પૂર્વજન્મના કોઈ નિગૂઢ અનુરાગે રસાઈ ગયેલું આ શિલ્પીનું હૃદય આત્મતૃપ્ત હતું.

બેઉ જણાં શોભનદેવની આરસસૃષ્ટિ વચ્ચે ફરતાં હતાં તે વખતે બીજા બેત્રણ જાત્રાળુઓ પોતપોતાનાં, અક્કેક બૈરી અને બબ્બે છોકરાંનાં બનેલાં નાનકડાં કુટુંબોને સાથે લઈને દેલવાડામાં ફરતા હતા. બૈરીઓ તેમને પૂછતી હતી અને તેઓ બૈરીઓને સમજાવતા હતા. મંદિરોના પ્રતિહારો આ ત્રણ યાત્રી-કુટુંબોની નાનકડી નાદાનીઓ પ્રત્યે હસતા હતા.

એકનું છોકરું વિમલ-વસહીમાં હાથી-હાથણીઓની મોટી પ્રતિમાઓ દેખી કજિયો કરે છે: “ઓ બાપા, મને આ હાથી પર બેસારો.”

"ન બેસાય. એ કરતાં તો આમ જો, બાપો જ હાથી બની જાય.” એમ કરતો એનો જુવાન બાપ છોકરાને ખંધોલે લઈ લે છે.

"પણ હેં !” બીજાની સ્ત્રી વરને પૂછે છે, “આ હાથીમાંથી એક વેચાતો ન મળે?”

“મળે, પણ ખવરાવશું ક્યાંથી? તારાં ઘરેણાં વેચવાં પડશે.”

"જાવ રે હવે ! પથરાનો હાથી તે કંઈ ખાતો હશે.”

“ત્યારે તને ખબર નથી. જીવતો હાથી ઘાસ ખાય, પથરાનો હાથી તો સોનારૂપાં ખાય ને સોનાનો હાથી માણસને ખાય !"

ત્રણેય જણા છોકરાંનાં નાકે આવેલી લીંટો લૂછતા હતા, વસ્ત્રો બગડતાં હતાં તે જખ મારીને સહી લેતા હતા. એક બૈરી આરસના ટુકડા પર ફરસું ફરસું લાગે તેથી હાથ ફેરવતી હતી, અને બીજી બૈરી ધણીને પૂછતી હતી: “એકાદ કટકો ચટણી વાટવા લઈ જશું, હેં?” પુરુષ પૂછતો કે “કેમ કરીને?” તો આંખ ફાંગી કરીને સ્ત્રી જવાબ દેતી, “મારાં વસ્ત્રોમાં છુપાવીને!”

"હંબ ! લઈ લેને એક !”