પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નેપથ્યમાં
341
 

ચોરીને લીધેલો આરસ ચોકિયાતની નજરે ચડ્યો. ધમાચકડ જામી. ચોકિયાત જાત્રાળુ કુટુંબોને અનુપમા પાસે લઈ આવ્યો. અનુપમા ત્રણેય પુરુષોને ટીકી ટીકીને નિહાળી રહી.

“તમને મેં ક્યાંઈક દીઠા છે, ભાઈ !” અનુપમાથી ન રહેવાયું.

“અમને નહીં હોય, બા !” બેમાંથી એક બોલ્યો, “અમે તો... ગામનાં છીએ, કકડો જમીન ખેડી ખાઈએ છીએ.”

“ચટણી વાટવા ઓરસિયો લીધો તેમાં શું જીવ બગાડો છે, ભૂંડા!” પેલી સ્ત્રી ચોકિયાતને ગળે પડતી હતી. “આ લે તારો પાછો. આંહીં કોને જોઈએ છે ! જોને મૂઈ ! પથરાના કકડામાં જીવ પેઠો મૂવાનો!”

“અલી એઈ ! આંહીં તો જો !” બીજાની સ્ત્રીએ શોભનદેવ કંઈક ઘડી રહ્યો હતો ત્યાં ઊભીને સાદ પાડ્યો, “જો તો ખરી, મોઈ ! આ પથરાને તે શું જીવ આવ્યો છે ! કે આ તે શું છૂમંતર કરે છે. આ તો ટાંકણું મારે છે કે તરત જાણે પાણામાંથી કૂદકા મારતું હરણિયું નીકળી પડે છે, પંખી નીકળી પડે છે, માણસ જેવું માણસ નીકળી પડે છે !”

શોભનદેવ તે વખતે પોતાનાં નાજુક શિલ્પ-ટાંકણાં ચલાવતો એક પાષાણમાં નેમિનાથ-રાજુલમતીની કરણ કથા કંડારી રહ્યો હતો. નેમિનાથની જાન રાજુલના પિતાને ઘેરે આવી ત્યારે તેમના ભોજન માટે વધ કરવાનાં હતાં તે હજારો પશુઓ – હરણાં ને સસલાં, બકરાં ને ઘેટાં વિલાપ કરી રહ્યાં હતાં તેનાં દ્રશ્ય પોતે ઉપસાવતો હતો.

“અલી, જો તો ખરી.” પેલીમાંથી એકે કહ્યું, “હમણાં જાણે આ મેંઢાના મોંમાંથી બેંકારા નીસરશે ! રોયા કારીગરેય તે છેને કાંઈ ! પીટ્યાને કોણ જાણે કેવીય વિદ્યા વરી છે !”

આ સ્ત્રીઓ સાથેના ત્રણેય પુરષોના ચહેરા દેખીને કાંઈક વહેમાયેલી અનુપમાએ દૂર ઊભીને મંદિરની રચના નિહાળતા વસ્તુપાલને જઈ વાત કરી: “લાગે છે કોઈ ગુપ્તચરો.”

વસ્તુપાલે તેમને પાસે આવવા દીધા, ઓળખ્યા. પેલા ત્રણેય જુવાનોએ હસતાં હસતાં મંત્રીને નમન કર્યું. વસ્તુપાલે હસીને પૂછ્યું: “કાં, આંહીં વળી કયા શિકારની શોધમાં છો ?”

"ના, મહારાજ ! નિવૃત્તિ પર છીએ. નરદમ નકરી જાત્રાએ નીકળ્યા છીએ.”

“આખરે તો આમાંથી જ સુખ મેળવો છોના !” વસ્તુપાલે એમનાં બૈરાંછોકરાં તરફ આંખ બતાવીને કહ્યું.