પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નેપથ્યમાં
343
 

હતા.

ધારાવર્ષદવને એણે બંદિની ચંદ્રપ્રભા વિશે મોજુદ્દીન સાથે થયેલી વાતથી વાકેફ કર્યા. ત્રણે જણાંએ સાથે બેસીને મંત્રણા કરી, ને પછી બંદીખાનાનાં દ્વાર ખોલી નાખી, બંદિનીને બહાર બોલાવી વસ્તુપાલે કહ્યું: “પુત્રી ! તને જ્યાં જવું હોય ત્યાં જવા છૂટ છે. ફક્ત તને સલાહ છે કે દિલ્હીપતિના સીમાડામાં પગ દેતી નહીં.”

"ડર લાગે છે ને?” ચંદ્રપ્રભા બોલ્યા વગર ન રહી શકી.

“નહીં, તું તારે પ્રલય લઈને આવજે; પણ દિલ્લી જવું હોય તો નરકની યાતનાઓ વેઠવાની તૈયારી રાખજે. ખુદ મોજુદ્દીને જ કહાવેલો સંદેશો તને દઉં છું. જા, બાઈ ! પણ રહે, આને આબુ કોણ ઉતારી આવશે?”

ધારાવર્ષે કહ્યું: “સોમને બોલાવો.”

“સોમને !” અનુપમા ચમક્યાં.

“હા, સોમ જ જાય.” પરમારદેવે આગ્રહ દાખવ્યો.

"કારણ કે એ જ લાવેલા હતા, એમ જ ને !” મંત્રી હસ્યા.

“પણ –"

અનુપમાના એ ગભરાટનો જવાબ પરમારદેવે આટલો જ દીધો: “એટલું કરીને આવે તે પછી જ સોમ પુનઃ પરમાર બની શકશે. નહીં તો એને માટેય નવખંડ ધરતી પડી છે.”

સોમ પરમાર આવ્યો. એણે શસ્ત્રો બાંધ્યાં હતાં. સૌ ઊભાં ઊભાં જોઈ રહ્યાં.

સોમ આગળ ચાલતો હતો. ચંદ્રપ્રભા પાછળ પગલાં ભરતી હતી. અને ધારાવર્ષદેવને લઈ વસ્તુપાલ પાટણ જવા ઊપડ્યા. પ્રહ્લાદનપુરથી પ્રહ્લાદનદેવ જોડાયા.

માર્ગે ખબર મળતા ગયા કે દેવગિરિથી સિંઘણદેવે પ્રતિનિધિ મોકલ્યો છે, વિજયી ગુજરાત માટે ભેટ લઈને. મુનિજી વિજયસેનસૂરિ પણ લાંબો વિહાર કરીને પાટણ પહોંચ્યા છે; અને સોમેશ્વરદેવનો સંદેશો મળ્યો કે, “મંત્રીજી, લોઢાનું કવચ અંદર પહેરીને જ આવજો ! મોટા રાણા તમને બાથમાં ભીંસી નાખે તેટલા બધા હર્ષાવેશમાં રાહ જુએ છે."

"એમની બાથમાં તો ભીંસાઈ ભુક્કા થવુંય ગમશે મને. ને હવે તો જીવવાની જરૂર પણ શી છે?” કહેતા કહેતા વસ્તુપાલ ઘોડાને રમાડતા આવતા હતા.