પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
24
ગુજરાતનો જય
 

કબજો કરેલો ત્યારથી જ એ નાસી ગયા છે, રાણા ! અડીખમ વાણિયો તો એકેય ઊભો જ નથી રહ્યો.”

"ને ચોઘડિયાં, નોબતો, દેવની આરતી કેમ મૂંગાં મૂંગાં છે?”

"મહારાજે કાંઈ કરતાં કાંઈ જ હોહા કરવાની ના પાડી દીધી છે. કહે કે દિલ્હીનો સુરત્રાણ વળી પાછો ખિજાય.”

“પોતે શું કરે છે? ક્યાં રહે છે?”

“બહાર નીકળતા જ નથી. દિવસે મહેલમાં ને રાત્રિએ ચંદ્રશાલા (અગાશી)માં જ પડ્યા રહે છે એમ વંઠકો કહે છે. સ્તંભતીર્થથી આરબ હકીમો ને મર્દન કરનારાઓ આવ્યા છે તેની પાસે શ્વેત કેશ પર કલપ લગાવરાવે છે ને ઔષધિઓ ખાય છે.”

"શાની ઔષધિ?”

“શક્તિવર્ધનની.”

“હા, દેવ ! હા ક્ષત્રિય !” એક નિઃશ્વાસ નાખીને લવણપ્રસાદે રાજગુરુને કહ્યું, “ખેર ! હવે જુઓ, દેવ, તમારી પાસે ભણનાર કોઈક નિશાળિયા ચાલ્યા આવે છે મંડલિકપુરથી.”

“હા જી, મારો સોમેશ્વર કહેતો હતો કે ત્રણ શ્રાવક છોકરા આવનાર છે.”

“પણ મેં એને માર્ગમાં ખૂબ ચીડવેલ છે. મને તો આ તમારા ભણતર અને સાહિત્યજ્ઞાન ઉપર મોટું મીંડું ચડી ગયું લાગે છે. મને તો સમજાતું નથી કે પાંચ પેઢીથી સોલંકી રાજાઓએ ચણાવેલાં ચણતર એક સૈકોય કેમ ટક્કર ન ઝીલી શક્યાં ! આમ બધું ભરભર ભૂકો કેમ થઈ ગયું !”

"શંભુ સૌ સારાં વાનાં કરશે, રાણા !” વૃદ્ધ કુમારદેવના હાથ હજુ પણ સોનાની દેદીપ્યમાન આરતીનો અધમણ બોજ ઉપાડી રહ્યા હતા; પોતે કેવું શિક્ષણ આપવાના છે તેનો મૂંગો મર્મ દાખવતી એ સાઠ વર્ષના વૃદ્ધની દેહાકૃતિ વિદ્વતા અને વીરશ્રીનાં કિરણો કાઢતી હતી.

બહાર નીકળીને લવણપ્રસાદે ભીમેશ્વરપ્રાસાદનું ખંડિત શિખર જોયું એટલે યાદ આવ્યું કે આ પરદેશીઓ આવીને આસાનીથી ભાંગી ગયા છે.

“આ નાલેશીનો તો હવે ઉપાય કરો !"

એ પણ મરામત કરવાની મહારાજે ના જણાવી છે. કહે કે સુરત્રાણનાં ભાંગેલાં મંદિરો હમણાં સમરાવશું તો પાછો એ કોપીને કટક ચલાવશે.”

વધુ કંઈ બોલવાની શક્તિ ન રહી એટલે લવણપ્રસાદ મૂંગો મૂંગો, લજ્જિત થઈ, કોઈને મોં પણ ન બતાવતો, પાલખીમાં પુરાઈને રાજગઢમાં ચાલ્યો ગયો.

પ્રભાત પડ્યું ત્યારે લવણપ્રસાદે રાજગઢની અંદરની પોતાની હવેલીના ઊંચા