પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલંક ને ગૌરવ
27
 

તળે નીકળ્યું, ચૌહાણોના અજમેર-દિલ્હી અને રાઠોડોના કનોજની કતલોમાં શોણિતપાન કરીને પછી ગુજરાત પર ત્રાટકેલી ઇસ્લામની તલવારને ભાળીને નાસડું લેનારી ગુજરાતની ફોજનો આ સ્વામી ભીમદેવ બીજો, નાસી ગયો હતો. ક્યાં જઈ છુપાયો હતો, એ કોઈને ખબર નહોતી. લોકવાયકા હતી કે સ્તંભતીર્થના નગ્ન મૂર્તિઓના એક દેવળમાં એ પોતાનું જવાહિર લઈ જઈને દેવદાસીઓને હાથ વિલાસમાં ચકચૂર બન્યો હતો. આબુના જેતસી પરમારની યુવાન ઇચ્છનકુમારીને પરણવાની જીદ ખાતર પૃથ્વીરાજના બાપ સોમેશ્વરને મારનારો અને તે પછી પોતાના દેશનિકાલ કરેલ છ ભત્રીજાઓના ઝઘડાને ખાતર પૃથ્વીરાજની બાણ-પથારી પર પોતાના નવલખા યોદ્ધાઓને પોઢાડનારો ઘમંડી ભીમ સોલંકી આજે હવે ઘોરીના સૂબા મલેક કુતબુદ્દીનના પંજામાંથી લવણપ્રસાદ વગેરે રાજનિષ્ઠોએ મુક્ત કરેલ અણહિલવાડમાં ચુપકીદીથી રાત લઈને પેસી ગયો હતો.

લવણપ્રસાદ પગથિયાં ચડી રહ્યો હતો ત્યારે મેડી ઉપર કશીક ધમાલ સંભળાતી હતી. દાસદાસીઓ મહારાજ પાસેથી કશીક ચીજવસ્તુઓ દૂર કરવા દોડાદોડી મચાવતાં હતાં ને મહારાજનો પોતાનો પણ ઉગ્ર સ્વર આવતો હતોઃ “ઓ મૂરખાઓ ! જલદી કરો, જલદી ઉઠાવી જાઓ આ બધી સામગ્રી તમારો બાપ કાળ જેવો હમણાં આવશે ને જોશે તો ધૂળ કાઢશે.”

લવણપ્રસાદને લાગ્યું કે મહારાજ પોતાનાથી શરમ અનુભવી રહેલ છે. પોતે ઉપર પહોંચ્યો ત્યારે મહારાજ શરીર પર વસ્ત્રો ઠીકઠાક કરતા હતા. એમના મોં ઉપર ઝાંખપ હતી. કોઈ દારૂડિયો પોતાનો નશો દૂર કરવાના ફાંફાં મારે તેમ ભીમદેવ પોતાની શિથિલતા ને દીનતા ઢાંકવા મથતો હતો.

એની તાજી કલપ દીધેલ દાઢીમૂછોમાંથી વિકાર ડોકિયાં કરતો હતો. સોલંકીઓના હાથના કાંડા પર જે કંકણ-કાવ્ય સદા ધારણ હતું, રાજશાસનના અને આત્મમંથનના ગંભીર ગહન પ્રસંગે જે કંકણ-કાવ્યનું મનન કરતાં કરતાં સોલંકીઓ શુદ્ધ વિચાર ભાવતા, સમસ્યાનો ઉકેલ શોધતા, આત્માને ખોજતા, તે કંકણ-કાવ્ય કોતરેલું કંકણ જ ભીમદેવના કાંડા પરથી દૂર થયેલું દીઠું.

ઉપર પહોંચું ને જોઉં કે તરત જ ધધડાવી નાખું એવો મનસૂબો લઈને લવણપ્રસાદ ગયો તો ખરો, પણ જતાંની વાર ભીમદેવનું મોં જોઈને એનો ગુસ્સો હોઠે આવેલો તે હૈયે પાછો ઊતરી ગયો.

“આવ, ભાઈ !” ભીમદેવના એટલા જ બોલમાં જિંદગીભરની કંગાલિયત સંભળાઈ, મહારાજનો વધુ તેજોવધ કરતાં એની હિંમત હાલી નહીં. એણે પગે લાગીને મહારાજની સામે પડેલી ગાદી પર વીરાસન વાળ્યું.