પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
28
ગુજરાતનો જય
 


બેઉ વચ્ચે થોડો વખત તો બોલચાલ શરૂ જ ન થઈ શકી. ભીમદેવ પાંપણો નીચે ઢાળીને છૂપો છૂપો લવણપ્રસાદની મુખમુદ્રા તપાસતો હતો. એ મોં એણે છેલ્લું બે'ક વર્ષો પર જોયું હતું. પણ નિહાળીને જોયાં તો ચારેક વર્ષ ગયાં હતાં. એ મોં પર જખમોના ડાઘ હતા. એક ચીરો તો લમણા ઉપર હતો; દાઢીથી લઈને ડાબા કાન સુધીનો એક વ્રણ ટેભા લીધેલો હોય તેવો હતો. બેઉ ભુજાઓ પર ચાઠાં હતાં. ઉઘાડા દેખાતા એના દેહ પરથી જો આખી કાયાના હવાલની કલ્પના કરીએ તો અંગેઅંગ યુદ્ધમાં ડખોળાઈ ગયેલું લાગે.

છેલ્લો જોયેલો ત્યારે લવણપ્રસાદ આરાસણા ખાણની શિલામાંથી કોતરી કાઢેલી કોઈ સુંદર સુભટ પ્રતિમા સમો હતો. જેણે જેણે એની જુવાની જોઈ હતી, તેમને મન આજે એની કદરૂપતા કહી કે સહી ન જાય તેવી હતી.

એ કદરૂપતા ભીમદેવને પૂછતી હતી જાણે કે –

તારે પરણવી હતી આબુના જેતસી પરમારની ઇચ્છન, એ માટે તેં કેટકેટલી રજપૂતાણીઓના રૂપાળા ધણીઓને યુદ્ધમાં ઓરી જીવતા ભૂત કરાવ્યા, જાણે છે?

તેં કાઢી મૂક્યા હતા છ ભત્રીજાઓને, તેમણે લીધો હતો ચૌહાણની ચાકરીનો આશરો. દરબારમાં મહાભારત વંચાતું હતું ત્યારે એ છમાંના એકે માત્ર મૂછે તાવે દીધો, પૃથ્વીરાજના કાકા ચૌહાણ કન્હથી ગુજરાતી આશ્રિતોનું અભિમાન ન સહેવાયું, એણે મૂછોના વળ સોતું એ માથું વાઢી લીધું; ને તેમાંથી ચૌહાણોની સામે તેં હુતાશન ચેતાવ્યો – તેમાં આવા કેટલા હોમ્યા, ખબર છે? ઘેરથી તો જેમને કાઢી મૂકેલા, તેઓનો પારકે ઘેર ગર્વ સાચવવાની ગંડુ ઇજ્જત પર તું ગુજરાતને ખુવાર કરી બેઠો, તે જાણે છે?

ને પછી મૂર્છિત રાજપૂતીના મહાદેહ પર શાહબુદ્દીન ત્રાટક્યો ત્યારે તેં ભાગેડું લીધું ને તારી ગુજરાતનાં ગૌરવ તે આને ભળાવ્યાં, જાણે છે?

કેટકેટલી લડાઈઓના ઝાટકાએ આ પૌરુષના રૂપને ટોચી નાખ્યું, યાદ આવે છે?

વધુ વાર ભીમદેવ ટટ્ટાર ન બેસી શક્યો. એની નસોને અતિભોગે તોડી નાખી હતી. એણે હીંડોળાખાટ પર શરીર લંબાવ્યું.

એણે પૂછ્યું, “તું સાજો નરવો છેને ? હવે દોડાદોડી કરીશ મા, ભાઈ. એ તો આંહીં લખ્યા પ્રમાણે જ બન્યા કરશે.” એમ કહેતે એણે લલાટ બતાવ્યું.

એ લલાટને છૂરીથી છોલી નાખવાનું લવણપ્રસાદને મન થયું, પણ કાંઈ બોલ્યા વગર પોતે બેઠો રહ્યો.

“મદનરાણી ને વીરધવલ ક્યાં છે?” ભીમદેવે લવણપ્રસાદનાં સ્ત્રી-બાળકના