પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
32
ગુજરાતનો જય
 

મોડું ભલે થાય, પણ ગુજરાતને ફરી બેઠી કરે એવો કોઈ ઉત્તરાધિકારી આવી પહોંચશે. પણ મારી નજર તો એમ પહોંચે છે બાપા, કે કોઈક કુંવારી ધરતી ગોતીએ; આ તો હવે રંડાપો પામી છે.”

“મહારાજના બોલ પણ એવા જ હતા. એ કહે કે તું તારે ધોળકે જઈ જે કરવું હોય તે કર.”

કુમારદેવે કહ્યું: “બસ ત્યારે, મારા બાપ ! સોલંકીનો દીકરો એટલો સમજણો તો ખરો. ધોળકાની પૃથ્વીનો જુગદેવ જાગ્યો સમજો.”

“પણ આ પાટણ કોને ભળાવું?

"તમારે ભળાવવા જવું નહીં પડે. ધરતી પોતે જ પોતાના યુગપ્રવર્તકને સાદ કરી તેડાવી લેશે. એનો અવાજ જેને કાને પડશે એ કોઈના ઝાલ્યા નહીં રહે. પૃથ્વીને સીમાડેથી પણ આવી પહોંચશે.”

“પણ ધોળકું – એક ક્ષુદ્ર ટીંબો ! વેરાનનો કાંઠો ! એને માથે શું થઈ શકે, દેવ, મારી તો કલ્પના કામ કરતી નથી.”

“કલ્પનાની વાત છોડી દો, રાણા ! પણ નિશ્ચયની મેખ મારો. મસાણોય સજીવન થાય છે, તો ચંદના નદીના કાંઠાને માથે મારા શંભુની મહેર ઊતરતાં શી વાર? કુંવારી ધરતીને તો મંડળેશ્વર, ત્રણનું જ કામ છે: એક ક્ષત્રિય, બ્રાહ્મણ ને એક વાણિયો.”

"એ ત્રણના મેળ કોણ મેળવશે, ગુરુ?”

"મેળવશે ત્રિલોકનો નાથ મારો ભોળો રુદ્ર. આપણે તો શું, એ જ પોતાનું નવું બેસણું શોધતો હશે. વાટ જુઓ રાણા, ઉત્તરાધિકારીની વાટ જુઓ. વાટ જોવી એને પણ પ્રયાણનું પગલું જ સમજો, વાઘેલરાજ.”,

“.. મારો વીરધ...વ...લ –"

એવાં તૂટક વાક્યોને ભાવિની વાણીના દોરમાં મોતીરૂપે પરોવતી લવણપ્રસાદની તંદ્રા કુમારદેવની કેટલીક વાતો પછી ગાઢ નિદ્રાની નાવડીમાં ચડી બેઠી.