પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

5
ગુરુ અને શિષ્યો

રાજગુરુ કુમારદેવનો સોળ વર્ષનો દીકરો સોમેશ્વર ત્રણ દિવસથી રોજ મધ્યાહને મંડલિકપુરને માર્ગે બબ્બે ગાઉને પલ્લે જઈ વાટ જોતો ઊભો રહેતો. રોજ અરધી રાત સુધી સુરભિ ગાયનું દૂધ તાંબડી ભરીને ગરમ કરી સાચવી રાખતો. ત્રણ છોકરા પિતાની પાઠશાળામાં ભણવા આવનાર હતા. નજરે તો કદી દેખ્યા નહોતા. પણ પિતાજી ઉપરનો પત્ર વાંચ્યો હતો. ન દીઠેલા ને ન જાણેલા છોકરાઓ પ્રત્યે સોમેશ્વરના આ કુદરતી પ્રેમનું એક કારણ એ હતું કે એ ત્રણેય એક વિધવા માતાના ગરીબ પુત્રો હતા. પિતાજી ઉપર પત્ર લખનારી પણ એ વિધવા માતા જ હતી. ગામડા ગામમાં રહેનારી એ ગરીબ શ્રાવિકાના અક્ષરો કેવા રૂપાળા હતા ! માતા વગરનો સોમેશ્વર આવી એક માતાના અણદીઠા સ્વરૂપની વિધવિધ કલ્પના કરી રહ્યો.

ત્રણેય જણાને માટે બેસવાની માટીની બેઠકો એણે પાઠશાળામાં અને વેદિની આસપાસ કેટલાય દિવસથી લીંપી રાખી હતી. ત્રણેય માટેની મગદળની છ જોડ તેલથી મર્દીને મૂકી રાખી હતી.

ચોથે દિવસે કાલો આવી પહોંચ્યો. ટારડા ટટ્ટુ ઉપર બેવડ વળીને બેઠેલા - મોટેરા લુણિગની ખાંસી દૂરથી સંભળાઈ. નાના બે ભાઈઓનાં ધૂળભર્યા મોઢાં દેખાયાં.

કુમારદેવ પોતે બહાર આવીને ઊભા હતા. તેણે લુણિગને ટટ્ટુ પરથી તેડીને ઉતાર્યો. લુણિગની હાંફણમાં છાતીની કાંચકી ગાજતી હતી. લથડિયાં લેતો એ ગુરુજીને ચરણે પડ્યો.

“તું, ભાઈ, માંદો માંદો કેમ આવી કપરી મુસાફરી કરીને આવ્યો?” ગુરુ કુમારદેવને દયા આવી.

"બાએ બહુ વાર્યો,” વસિગે જવાબ દીધો, “પણ એ માને જ શાનો?”

“તમારાં બા કુશળ છેને?”

“હા. આપને પ્રણામ કહાવ્યા છે.”